Surat : જર્જરિત વાલ્વને પગલે સમસ્યા ઉભી થતાં લોકોનો આક્રોશ સાતમા આસમાને : છાપરાભાઠા સહિતના વિસ્તારમાં બે દિવસથી પાણી પુરવઠો ઠપ્પ

છાપરાભાઠા ખાતે આવેલ ઈ-3 પાણીની ટાંકીમાં આવેલ વાલ્વ ખુબ જ જુનો થઈ ગયો હોવાને કારણે છાશવારે સમસ્યા ઉદભવતી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે દિવસથી વધુ એક વખત આ વાલ્વમાં સમસ્યા ઉભી થતાં છાપરાભાઠા, ગણેસપુરા, કોસાડ અને આસપાસના વિસ્તારોમાં આવેલી 100 જેટલી સોસાયટીઓમાં પાણી પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો.

Surat : જર્જરિત વાલ્વને પગલે સમસ્યા ઉભી થતાં લોકોનો આક્રોશ સાતમા આસમાને : છાપરાભાઠા સહિતના વિસ્તારમાં બે દિવસથી પાણી પુરવઠો ઠપ્પ
સુરત-છાપરભાઠામાં પાણી પુરવઠો ઠપ્પ
| Edited By: | Updated on: Dec 24, 2021 | 6:37 PM

Surat : શહેરના છાપરાભાઠા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પાણી પુરવઠો ખોરવાઈ જતાં નાગરિકોની હાલત કફોડી થવા પામી છે. સાત દિવસ અને 24 કલાક પાણીની સુવિધા ધરાવતી આ સોસાયટીઓમાં રાતોરાત પાણી પુરવઠો ઠપ્પ થઈ જતાં રહેવાસીઓએ નાછૂટકે ટેન્કર સહિતની વૈકલ્પિક સુવિધાઓ માટે દોડાદોડી કરવી પડી રહી હતી. જોકે આજે સવારે આ સમસ્યા માટે વાલ્વ બદલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને બપોરે પાણી પુરવઠો પુનઃ યથાવત્ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

શહેરના કતારગામ ઝોનમાં સમાવિષ્ટ છાપરાભાઠા, ગણેશપુરા, કોસાડ અને ન્યૂ કોસાડ રોડ સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી 24 * 7 પાણી પુરવઠાની સુવિધા ધરાવતી સોસાયટીઓમાં પાણી પુરવઠો ખોરવાતાં સ્થાનિકોની હાલત દયનીય થવા પામી હતી. નળમાંથી એક ટીપુંય પાણી ન આવતાં સ્થાનિકો દ્વારા ઝોનમાં રજુઆત કરવામાં આવતાં ઝોનના અધિકારીઓ દ્વારા પણ ઉડાઉ જવાબો આપવામાં આવતાં રહેવાસીઓનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો હતો. છાપરાભાઠા ખાતે આવેલ માલધારી વસાહત પાસે પાણીની ટાંકીના વાલ્વ ખોટકાઈ જતાં આ સમસ્યા ઉભી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

ગઈકાલે મહાનગર પાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા વાલ્વ રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં લીકેજ થઈ જતાં આજે પણ પાણી પુરવઠો ખોટકાઈ જવા પામ્યો હતો. જેને પગલે આજે મનપા દ્વારા આ વાલ્વ બદલવાની કવાયત હાથ ધરવામાં આવી હતી અને બપોર બાદ છાપરાભાઠા સહિતના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં પાણી પુરવઠો રાબેતા મુજબ થવા પામ્યો હતો.

છાપરાભાઠાની 100 જેટલી સોસાયટીઓ પ્રભાવિત

છાપરાભાઠા ખાતે આવેલ ઈ-3 પાણીની ટાંકીમાં આવેલ વાલ્વ ખુબ જ જુનો થઈ ગયો હોવાને કારણે છાશવારે સમસ્યા ઉદ્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે દિવસથી વધુ એક વખત આ વાલ્વમાં સમસ્યા ઉભી થતાં છાપરાભાઠા, ગણેસપુરા, કોસાડ અને આસપાસના વિસ્તારોમાં આવેલી 100 જેટલી સોસાયટીઓમાં પાણી પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો.

છાશવારે ખોટકાતો વાલ્વ બદલવામાં આવ્યોઃ રાકેશ માળી

સુરત મહાનગર પાલિકાના પાણી સમિતિના ચેરમેને આ સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી અત્યંત જર્જરિત એવા વાલ્વને કારણે સમસ્યા ઉદ્ભવી હતી. જો કે, પાણીની ટાંકીની આસપાસ આવેલી સોસાયટીઓમાં તો પાણી પુરવઠો રાબેતા મુજબ રહેવા પામ્યો હતો. તેમ છતાં અન્ય સોસાયટીઓમાં સમસ્યાઓ ઉદ્ભવતા આજે વહેલી સવારથી ઝોન અને મનપાના હાઈડ્રોલિક વિભાગના અધિકારીઓ – કર્મચારીઓ દ્વારા યુદ્ધસ્તરે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Published On - 5:35 pm, Fri, 24 December 21