ગત ફેબ્રુઆરી-21માં ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ જુલાઇ-21માં જામીન ઉપર છૂટેલા સજ્જુ કોઠારીએ ફરી ગેંગ બનાવી ગુના આચરતાં પોલીસે વધુ એક વખત ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો. જોકે સજ્જુ હાલ ફરાર છે. સુરતના માથાભારે સજ્જુ કોઠારી સાથે વધુ એક વખત ગુજસીટોકનો ગુનો દાખલ થતાં રાજ્યમાં એક જ ગુનેગાર સામે બીજી વખત ગુજસીટોક લાગુ થયો હોવાની પહેલી ઘટના બની છે.
સુરતના રાણીતળાવ મહંમદ મુસ્તુફા પેલેસમાં રહેતા અને જૂના મકાન ખરીદી તેને તોડી ત્યાં નવી બિલ્ડિંગ બનાવતાં આરીફ સાબીર કુરેશીએ ગત 24મી ફેબ્રુઆરીએ સજ્જુ કોઠારી અને તેના 3 સાગરીતો સમીર સલીમ શેખ, અલ્લારખા ગુલામમુસ્તુફા શેખ અને ગુલામ ભોજાણી વિરુદ્ધ ખંડણીની ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસ મથકે કરી હતી. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં ગુજસીટોકની કલમ ઉમેરવા કોર્ટમાં દલીલ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની દલીલ હતી કે, સજ્જુએ નવી ગેંગ ઊભી કરી શહેરમાં ફરી ગુનાહિત પ્રવૃત્તિ હાથ ધરી છે. કોર્ટે મંજૂરી આપતાં જ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં ગુજસીટોકની કલમનો ઉમેરો કર્યો હતો.
સજ્જુ કોઠારી વિરુદ્ધ ખંડણીના ગુનામાં કલમ 386, 506(2), 507, 114 અને ગુજસીટોક એક્ટ 2015ની કલમ 3(1)(2), 3(2), 3(4) મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તેને જૂન મહિનામાં જ જામીન મળી ગયા હતા. જોકે તેમાં કેટલીક શરતો હતી. સુરતમાં પ્રવેશવું નહી અને ગુજરાતની બહાર નહી જવું તેમજ ગુનાખોરી નહી આચરવી. રાંદેર અને નાનપુરાના બિલ્ડરને ધમકી વખતે સજ્જુ સુરતમાં જ હાજર હતો. જામીનની શરતોનો ભંગ કર્યો હોઇ તે ગુનાના જામીન રદ કરાવવા પણ પોલીસ કોર્ટમાં ગઇ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. દરમિયાન સજજુ સામે ખંડણીની વધુ એક ફરિયાદ થતાં પોલીસે ફરી તેની સામે ગુજસીટોકનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રીએ ભીલોડાંમાં ડો. અનિલ જોશિયારાના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પરિવારને સાંત્વના આપી
Published On - 1:42 pm, Tue, 15 March 22