Surat : વાહનમાલિકોને મોકલેલી પરંતુ પરત આવેલી 8 હજાર આરસી બુક RTOમાં ધૂળ ખાય છે

|

Jun 22, 2021 | 10:26 AM

Surat : સુરત આરટીઓમાં ( Surat RTO) 8 હજારથી વધારે વાહનોની રજિસ્ટર્ડ આરસીબુક ( RC book ) આરટીઓમાં ધૂળ ખાઈ રહી છે. વાહન માલિક આરસી બુક લેવા માટે આળસ કરી રહ્યા છે.

Surat : સુરતમાં આઠ હજાર કરતા વધુ લોકો આરસીબુક (RC book) વગર જ વાહન ચલાવી રહ્યા છે. સુરત આરટીઓમાં( Surat RTO) રજિસ્ટર્ડ 8 હજારથી વધારે વાહનોની  પરત આવેલી આરસીબુક આરટીઓમાં ધૂળ ખાઈ રહી છે. વાહન માલિક આરસી બુક લેવા માટે આળસ કરી રહ્યા છે.

વારંવાર એસએમએસ કર્યા પછી પણ વાહનમાલિકોને આરસીબુક લઈ જવા માટે સમય નથી મળી રહ્યો. સુરત આરટીઓમાં વર્ષ 2018માં 2156, વર્ષ 2019માં 2356, વર્ષ 2020માં 2485, વર્ષ 2021માં 1159 સહિત 8656 આરસીબુક આરટીઓમાં પડેલી છે.

ટુ વ્હીલર, ફોર વ્હીલર  અને ટ્રાન્સપોર્ટ સહિત તમામ કેટેગરીની આરસીબુક આરટીઓમાં પડી છે. વાહન ખરીદ્યા પછી આટલા લાંબા સમય સુધી આરસીબુક ન લઈ જવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. સુરત આરટીઓમાં રજીસ્ટર થનારા વાહનોમાં આરસીબુક ડિસ્પેચ કરનારનું કામ અમદાવાદની એજન્સીને આપવામાં આવ્યું છે.

એજન્સી પોસ્ટ દ્વારા વાહન માલિકોના એડ્રેસ પર આરસીબુક મોકલાવે છે. એડ્રેસ સાચા ના હોવાથી અથવા તો અપૂરતા હોવાના કારણે અથવા વાહન માલિકની ગેરહાજરીના કારણે આરસીબુક પરત આરટીઓ આવે છે.

આરસીબુક ન પહોંચવા માટે ઘણાં કારણ હોઇ શકે છે. જેમાં વાહન માલિકે પોતાના એડ્રેસ બદલી નાખ્યો હોય, મોબાઈલ નંબર ખોટો આપ્યો હોય અથવા બંધ થઈ ગયો હોય, વાહન લોન લીધા બાદ તેના હપ્તા ન ચૂકવાતા હોય અથવા વાહન જપ્ત થઈ ગયું હોય, પોસ્ટ મેને શોધ્યા પછી પણ વાહન માલિકનું એડ્રેસ ન મળ્યું હોય. આવા મામલામાં આરસીબુક આરટીઓમાં પરત પહોંચાડી દેવામાં આવે છે.

હવે આરસી બુકના ડિસ્પેચિંગ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને હવે રોજની 150 થી 200 આરસી બુક ડિસ્પેચિંગ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આરટીઓમાં સોમવારથી શુક્રવાર દરરોજ સવારે 10:30થી સાંજે 4 વાગ્યાસુધી આરસીબુક મેળવી શકશો.

Published On - 9:50 am, Tue, 22 June 21

Next Video