સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) ના સને 2022-23ના ડ્રાફ્ટ બજેટ પર આજે બીજા દિવસની ચર્ચાના પ્રારંભ સાથે જ સભાખંડમાં શાસકો અને વિરોધ પક્ષ વચ્ચે તુતુ – મૈં મૈંના દૃશ્યો જોવા મળ્યા હતા. મેયર (mayor) અને વિરોધ પક્ષ (opposition) ના નેતા સહિતના કોર્પોરેટરો વચ્ચે આક્ષેપો – પ્રતિઆક્ષેપો વચ્ચે શરૂઆતમાં અડધો કલાક સુધી સભાખંડની કાર્યવાહી ખોરવાઈ જવા પામી હતી. જો કે, બાદમાં બન્ને પક્ષોમાં વિરોધનો સૂર થમી જતાં પુનઃ સભાખંડની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ થઈ હતી અને કોર્પોરેટરો દ્વારા બજેટ મુદ્દે પોત-પોતાના અભિપ્રાયો અને રજુઆતો કરવામાં આવી હતી.
આજે સવારે નવ કલાકે શરૂ થયેલી સામાન્ય સભાના પ્રારંભ સાથે જ આમ આદમી પાર્ટી (AAP ) ના કોર્પોરેટર મહેશ અણધડ દ્વારા પોતાની રજુઆત માટે સમયની ફાળવણી કરવા મેયરને કહેવામાં આવ્યું હતું. જો કે, મેયર દ્વારા મહેશ અણધડની રજુઆતને કોરાણે મુકીને સોનલ દેસાઈને બોલાવા માટે કહેવામાં આવતાં વિરોધ પક્ષના સભ્યો દ્વારા સભાખંડ માથે લેવામાં આવ્યું હતું.
મહેશ અણધડને ટકોર કરતાં મેયર જણાવ્યું હતું કે, ગઈકાલે તેઓ બે કલાક સુધી પોતાની વાત રજુ કરી ચુક્યા છે અને હવે અન્ય સભ્યોને પણ પોતાની વાત રજુ કરવા માટે સમય ફાળવવાનો રહે છે. આ દરમ્યાન આપના સભ્યો દ્વારા બીપીએમસી એક્ટનો હવાલો આપતાં મેયરને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ કોઈપણ સભ્યને પોતાની વાતને રજુ કરવા માટે નિશ્ચિત સમય મર્યાદામાં બાંધી શકે નહીં. લગભગ અડધો કલાક સુધી શાસકો અને વિરોધ પક્ષ વચ્ચે ચાલેલા હોબાળાને અંતે મેયર હેમાલી બોઘાવાલાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને નાછૂટકે તમામ સભ્યોને સસ્પેન્ડ કરવાની વાત કરતાં અંતે મામલો થાળે પડ્યો હતો.
આ દરમ્યાન મહેશ અણધડના સતત વિરોધને પગલે મેયર દ્વારા વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીને મહેશ અણધડને સમજાવવા માટે જણાવવામાં આવ્યું હતું. જેને પગલે વિરોધ પક્ષના નેતાએ મેયરને રોકડું પરખાવતાં કહ્યું હતું કે, સામાન્ય સભામાં સભ્યો ત્રણ – ચાર કલાક સુધી બોલ્યા છે અને તેમ છતાં જો મહેશ અણધડ દ્વારા એકના એક મુદ્દાઓ રિપીટ થશે તો તેઓ ખુદ મહેશ અણધડને બેસાડી દેશે.
આ દરમ્યાન ઉત્સાહમાં આવેલા આપના કોર્પોરેટર અલ્પેશ પટેલ દ્વારા પણ મેયર બોઘાવાલા કાયદાનો ભંગ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેને પગલે મામલો તંગ બની ગયો હતો અને વિરોધ પક્ષના સભ્યો દ્વારા મેયરના ડાયસ સુધી પહોંચાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, શાસક પક્ષના કોર્પોરેટરો અને માર્શલો દ્વારા વિરોધ પક્ષના સભ્યોનો ઘેરાવ કરવામાં આવતાં વાત વધુ ઉગ્ર બનતાં અટકી હતી.
બાદમાં સભાખંડમાં રાબેતા મુજબ ચર્ચાનો દૌર શરૂ થતાં આપના કોર્પોરેટર રાજેશ મોરડીયા દ્વારા શાસકો વિરૂદ્ધ આક્ષેપ કરતાં જણાવાયું હતું કે, શહેરના અલગ – અલગ વિસ્તારોમાં આવેલી ટીપીમાં એક પણ પ્લોટ મનપા પાસે ઉપલબ્ધ નથી. વિકાસ વેચાઈ ગયો હોવાના આક્ષેપ સાથે તેઓએ બજેટમાં મોટા ભાગના વિકાસ કાર્યો કાગળ પર જ દોડતા હોવાનું પણ જણાવ્યું હતું. જ્યારે આપના મહિલા કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા શિક્ષણનો મુદ્દો ઉઠાવતાં જણાવ્યું હતું કે, શાળાઓ બનાવતાં પહેલા સરકારી શાળાઓમાં જે બે હજાર શિક્ષકોની ઘટ છે તે પુરી કરવી વિદ્યાર્થીઓ માટે વધુ હિતાવહ છે. શિક્ષકો હશે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા ખાડી કિનારે વસતાં લોકોને થઈ રહેલી ભારે હાલાકીનો ઉલ્લેખ કરતાં જણાવાયું હતું કે, મનપા દ્વારા દર વર્ષે મોટા ઉપાડે ખાડી માટે સેંકડો કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવે છે. જો કે, વાસ્તવિકતા તદ્ન વિપરીત છે. સને 2021માં ખાડી માટે 500 કરોડની જોગવાઈ વચ્ચે ડ્રેનેજ વિભાગ દ્વારા માત્ર 17 કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવામાં આવ્યો હોવાનું પણ તેઓ દ્વારા જણાવાયું હતું. આ સિવાય ડ્રાફ્ટ બજેટમાં પુણા ગામ હરીધામ સોસાયટીથી મમતા પાર્ક વચ્ચે કોયલી ખાડીના કામ મંથરગતિએ ન થાય તે સંદર્ભે પણ તેઓ દ્વારા શાસકોને ટકોર કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને સાથે રાખી ઘટના સ્થળે પોલીસ દ્વારા રી-કન્ટ્રક્શન કરાયુ
આ પણ વાંચોઃ ગુનાખોરીનું એપીસેન્ટર: સુરત પોલીસ કમિશનરે કહ્યું શહેરમાં ફેબ્રુઆરીના 17 દિવસમાં 11 હત્યા થઈ