Surat : રાજ્ય સરકારના મહેસુલ વિભાગના પરિપત્રને આધારે ઓલપાડના સેંકડો ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા રજુઆત

જિલ્લા (District ) વહીવટી તંત્ર દ્વારા દબાણ રજીસ્ટરની નિભાવણી કરવાની સાથે સમયસર તેની સમીક્ષા કરવામાં આવે તો ગેરકાયદેસર ઝીંગા તળાવોનું દૂષણ દુર થાય તેમ છે.

Surat : રાજ્ય સરકારના મહેસુલ વિભાગના પરિપત્રને આધારે ઓલપાડના સેંકડો ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા રજુઆત
Shrimp ponds in Olpad (File Image )
| Edited By: | Updated on: Jul 28, 2022 | 9:33 AM

સુરત (Surat ) જિલ્લાના ઓલપાડ(Olpad ) તાલુકાના કાંઠા વિસ્તારોમાં સરકારી (Government )જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને ઉભા કરી દેવામાં આવેલા ઝીંગા તળાવોને મુદ્દે વધુ એક વખત ગરમાવો આવ્યો છે. હાલમાં જ રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો અટકાવવા અને દુર કરવા સંદર્ભે કાર્યવાહી કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેને પગલે હવે ઓલપાડ તાલુકામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોનું દૂષણ વધુ એક વખત ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યું છે. છાશવારે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારોમાં બેફામ ઉભા કરવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા સંદર્ભે રજુઆત કરવા છતાં હજી સુધી વહીવટી તંત્ર દ્વારા ધરાર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

હાલમાં જ મહેસુલ વિભાગ દ્વારા સરકારી જમીનોની જાળવણી કરવાના ઉદ્દેશ્ય સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવા સંદર્ભે સંબંધિત વહીવટી તંત્રને તાકિદ કરવામાં આવી હતી. જો કે, સુરત જિલ્લાના કાંઠા વિસ્તારોમાં દાયકાઓથી ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાના મુદ્દે જિલ્લા કલેકટરનું વહીવટી તંત્ર હંમેશા વામણું પુરવાર થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે સામાજીક આગેવાને જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ રજીસ્ટરની નિભાવણી કરવાની સાથે સમયસર તેની સમીક્ષા કરવામાં આવે તો ગેરકાયદેસર ઝીંગા તળાવોનું દૂષણ દુર થાય તેમ છે.

જોકે, વહીવટી તંત્રના પાપે જ જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારોમાં ઝીંગા તળાવોનું દૂષણ બેફામ બનવા પામ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો સરકારી જમીનોની જાળવણી કરવાની જવાબદારી સંદર્ભે તંત્રના જવાબદાર અધિકારીઓ નિષ્ફળ રહે તો તેમની સામે જવાબદારી નક્કી કરી સખ્ત પગલાં ભરવામાં આવે તો જનહિતમાં આ પ્રકારના દૂષણને ડામવામાં સફળતા સાંપડી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, ઓલપાડ તાલુકાના લવાછા, ભગવા, મોર, કોબા, કરંજ અને મંદરોઈ ગ્રામ પંચાયત દ્વારા જે તે સમયે લેખિતમાં રજુઆત કરીને ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા સંદર્ભે રજુઆત કરી હતી. આ ઝીંગા તળાવોને કારણે ખાડીઓના વહેણ બદલાઈ જતાં વરસાદી પાણી ખેતરોમાં ફરી વળવાની સમસ્યાને પગલે ખેડૂતોને પણ અસહ્ય નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ સમગ્ર વિસ્તારમાં એક હજાર હેક્ટર કરતાં વધુ સરકારી જમીનો પર ગેરકાયદેસર ઝીંગા તળાવો ઉભા કરવામાં આવતાં પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું હોવાની રાવ કરવામાં આવી છે.

Input Credit Suresh Patel (Olpad )