રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના (Electric Vehicles ) વેચાણને પ્રોત્સાહન આપવા સરકારે ટુવ્હીલરમાં 20 હજાર અને કારમાં 1.50 લાખ સુધીની સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત સાથે જ સુરતમાં ઈલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરની આરટીઓના (RTO) ચોપડે નોંધાયેલા ઈલેક્ટ્રિક વ્હીકલના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં સુરત અવ્વલ નોંધાયુ છે. સુરતમાં અધધ 2,627 ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું છે.
જ્યારે વસ્તીની દ્રષ્ટિએ રાજ્યમાં નંબર વન શહેર અમદાવાદમાં માત્ર 1100 વાહન વેચાયા છે. બીજી તરફ સરકારે જાહેર કરેલી સબસિડી ચૂકવવામાં પણ સુરત આરટીઓ પ્રથમ ક્રમે છે. સુરત આરટીઓના ઈન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે સબસિડી મેળવવાને પાત્ર તમામ વાહનોની સબસડી મંજૂરી કરી દીધી છે. હવે રોજેરોજ સબસિડીની અરજીનો નિકાલ કરાઇ રહ્યો છે.
આજના દિવસે એકપણ વાહનની સબસિડી પેન્ડિંગ નથી, જે વાહનોની સબસિડી પેન્ડિંગ છે તેઓએ સરકારી પોર્ટલ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું નથી અથવા તો સરકારી સબસડી મેળવવા માટે પાત્ર નહીં હોવા છતાં સબસિડી મેળવવા માટે અરજી કરી દીધી હશે. સુરતમાં કાર, ટુવ્હીલર અને થ્રી વ્હીલર મળી કુલ 2,627 વાહન , અમદાવાદમાં 1,100, રાજકોટમાં 460 અને વડોદરામાં માત્ર 350 ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું છે.
ઈન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલના જણાવ્યા પ્રમાણે સુરતમાં ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. તેમજ સરકારની ગાઈડલાઇન અનુસાર વાહનમાલિકોને સરળતાથી સબસડી મળી રહે તે માટે રોજેરોજે અરજી મંજૂર કરવામાં આવી રહી છે.
સરકારી સબસિડી મેળવવા માટે સરકારે કેટલીક મર્યાદા લાદી છે. જેમકે , ટુવ્હીલરમાં 1.50 લાખ સુધીની કિંમતના વાહનો જ સબસિડી મેળવવાને હકદાર છે. જ્યારે શ્રી વ્હીલરમાં 5 લાખ અને કારમાં 15 લાખ સુધીની કિંમતના વ્હીકલને જ સબસડી મળી છે. 15 લાખથી વધુની કિંમતના વાહનો સબસિડી મેળવવાને પાત્ર નથી. બીજી તરફ વાહનમાલિકોએ વાહન ખરીદ્યા બાદ સબસડી મેળવવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ખુદ વાહનમાલિક અથવા ડીલરે સબસિડી માટેની ઓનલાઇન પ્રક્રિયા કરવાની રહેશે.
સુરત આરટીઓના ચોપડે અત્યાર સુધીમાં 2,627 ઈલેક્ટ્રિકલ વ્હીકલ વેચાયાં હોવાનું નોંધાયું છે. પરંતુ આ બધાં જ વાહનો સબસડી મેળવવાને પાત્ર નથી. દરમિયાન અત્યાર સુધીમાં ઓનલાઇન અરજી કરનારા અને સબસિડી મેળવવાને પાત્ર એવા 1132 વ્હીકલની સબસિડી મંજૂરી કરી દેવામાં આવી છે. આ 1,132 વ્હીકલને 2,46,16,000 રૂપિયાની સબસિડી મંજૂર કરવામાં આવી છે. 1132 વ્હીકલમાં 1108 ટુવ્હીલર, 3 થ્રી વ્હીલર અને 21 ફોર વ્હીલરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: રાજ્ય સરકારના બોર્ડ-નિગમમાં નવી નિયુક્તિઓ થશે , 7 બોર્ડ- નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના લેવાયા રાજીનામા