સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટની આગાહી મુજબનો વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી જ સુરત શહેર અને જિલ્લામાં દેમાર પડેલા વરસાદને પગલે સર્વત્ર જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સુરત શહેરની વાત કરીએ તો શહેરના પુણા, સરોલી, કુંભારીયા વિસ્તારમાં ખાડીના જળસ્તર ઉપર જતા લોકોના જીવ ઉચાટમાં મુકાયા છે, ત્યાં બીજી તરફ જિલ્લામાં બારડોલી, પલસાણા અને ઓલપાડ તાલુકામાં પણ શ્રીકાર વરસાદ વરસતા જન જીવન ભારે પ્રભાવિત થયું છે.
સુરત શહેરની વાત કરીએ તો નવા સમાવિષ્ટ વિસ્તાર સણિયા હેમાદ વિસ્તારમાં ગઈકાલથી જ વરસાદી પાણી અને ખાડીના પાણીના કારણે પાંચથી છ ફૂટ જેટલો પાણીનો ભરાવો થયો છે. જેને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અહીં ગઈકાલે રાત્રે પાણીમાં મુસાફરો ભરેલી બસ ફસાઈ જતા ગામના આગેવાનો તેમજ પુણા અને કાપોદ્રા ફાયરના જવાનોની મદદથી 20 જેટલા મુસાફરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ફાયરના જવાનોએ બોટની મદદથી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને સહી સલામત બહાર કાઢ્યા હતા.
તે જ પ્રમાણે બારડોલીની વાત કરીએ તો બારડોલી તાલુકાના 14 માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. જેના કારણે આ માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. બારડોલી તાલુકાના વાંકાનેર, પારડી, જૂની કીકવાડ , ઘભેણી ફળિયું, ખોજ પારડી, વાઘેચા ને જોડતા માર્ગો બંધ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
તે જ પ્રમાણે સુરત જિલ્લામાં રાત્રી દરમ્યાન પડેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જિલ્લાના મહુવા તાલુકામાં ત્રણ કોઝ વે પાણીમાં ગરકાવ થયા છે. જેમાં ભગવાનપુરા સાંબા , કાવીઠા આમચક અને લો લેવલ કોઝવે પાણીમાં ગરક થયા છે. ઓલન નદીમાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જિલ્લામાં આવેલ માંડવી તાલુકનો આમલી ડેમ પણ ભયજનક સપાટી નજીક પહોંચી ગયો છે. આમલી ડેમની હાલની સપાટી 114.60 મીટર છે. જયારે ભયજનક સપાટી 115.80 મીટર છે.
એજ પ્રમાણે ઓલપાડની વાત કરીએ તો ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગ ધસી પડ્યો છે. સુરત ઓલપાડ સ્ટેટ હાઇવે માર્ગ ધસી પડ્યો છે. સરોલી પુલ પર એક તરફનો માર્ગ ધસી પડતા લોકોને ભારે હાલાકી પડી છે. પોલીસે અહીં બંદોબસ્ત ગોઠવીને વાહનચાલકોને સચેત કાર્ય છે.ટ્રાફિકને લઈને વાહનચાલકો જોથાણ પાટીયાથી સુરત આવવા મજબુર બન્યા છે. હજી પણ ભારે વરસાદની આગાહી હોય વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
Input Credit Jignesh Mehta (Bardoli )