તહેવારોની (Festivals ) સીઝન શરૂ થઇ ગઈ છે. દસ દિવસ સુધી વિઘ્નહર્તા ગણેશજી ની પૂજા અર્ચના કર્યા બાદ હવે યુવાહૈયાઓના માનીતા તહેવાર નવરાત્રીનું (Navratri ) કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે સુરતમાં પણ વિવિધ પાર્ટી પ્લોટો અને ઇન્ડોર હોલમાં નવરાત્રીના આયોજનો માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ સુરતીઓ માટે ગરબા રમવા માટે જાણીતા સ્થળ ઇન્ડોર સ્ટેડિયમમાં આ વર્ષે નવરાત્રી નહીં યોજાઈ શકે.
શહેરમાં આવનારા દિવસોમાં નેશનલ ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ભાડે આપવામાં નહીં આવે. જોકે આ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા ઇન્ડોર સ્ટેડિયમને દસ દિવસ સુધી ભાડેથી ફાળવવા માટે ઓફર મંગાવવામાં આવી હતી. જોકે તે સમયે કોઈપણ આયોજકોએ રસ દાખવ્યો ન હતો. તો બીજી તરફ સુરતમાં આવનાર દિવસોમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 36મી નેશનલ ગેમ્સ પણ યોજાવા જઈ રહી છે. નેશનલ ગેમ્સ અંતર્ગત બે ગેમ્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવે તેવી શક્યતા છે.
આ કારણથી પણ કોર્પોરેશન દ્વારા હવે નવરાત્રી માટે ઇન્ડોર સ્ટેડિયમને ભાડે ન આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે અત્યારસુધી ઇન્ડોર સ્ટેડિયમ ખેલૈયાઓ અને આયોજકો માટે ખુબ હોટ ફેવરિટ માનવામાં આવતું હતું. શહેરની વચ્ચોવચ્ચ આવેલા ઇન્ડોર સ્ટેડિયમ એસી ડોમ હોવાથી ખેલૈયાઓને અહીં ગરબા રમવાનું ખુબ અનુકૂળ પણ રહેતું હતું.
એક સમયે ઇન્ડોર સ્ટેડિયમ નવરાત્રી માટે ભાડેથી લેવા માટે આયોજકોમાં પડાપડી થતી હતી. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ડોર સ્ટેડિયમ માટે આયોજકોમાં કોઈ ખાસ ઉત્સાહ દેખાતો નથી. જેના કારણે ખુબ ઓછા ભાડામાં ઇન્ડોર સ્ટેડિયમ આયોજકોને ફાળવવામાં આવતું હતું. જોકે આ વર્ષે એક પણ આયોજકે ઇન્ડોર માં નવરાત્રી યોજવા માટે રસ ન દાખવતા આ વર્ષે અહીં નવરાત્રી નહીં થાય એ નક્કી છે. તો બીજી તરફ ખુલ્લા પાર્ટી પ્લોટ અને સરસાણા એસી ડોમમાં નવરાત્રી માટે તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.