Surat : ડીઆરઆઇ અને કસ્ટમ વિભાગના એક જોઈન્ટ ઓપરેશનમાં સચિન સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ( SACHIN SEZ ) આવેલી યુનિવર્સલ ડાયમંડ કંપનીમાંથી સિન્થેટિક ડાયમંડની (synthetic diamond)સાથે 60 કરોડના નેચરલ હીરા (Natural diamond)એક્સપોર્ટ કરવાનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. જેમાં હવાલા કૌભાંડ હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અધિકારીઓ દ્વારા 60 કરોડના બે કનસાઈમેન્ટ ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાંથી 25 કન્સાઇનમેન્ટ વિદેશ મોકલી દેવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. વધુ માહિતી માટે સામે આવ્યું છે કે આ કંપની 23 વર્ષીય મિત કાછડિયા નામના યુવાને ફેબ્રુઆરીમાં ઊભી કરી હતી.
પરંતુ કૌભાંડમાં મોટા ઉદ્યોગકારો પણ હોઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે જે ડાયમંડ એક્સપોર્ટ કરાશે તેમાંથી કેટલાક મોટા ડાયમંડ છે. જેમાં એક ડાયમંડની કિંમત અંદાજે એક કરોડ છે. સ્થાનિક માર્કેટમાંથી આટલા કિંમતી ડાયમંડ કોઈ નાનો કારીગર કે પેઢી આપી શકે એવી ગણતરી અધિકારીઓને લાગતી નથી.
શા માટે હોઈ શકે છે હવાલા કૌભાંડની આશંકા ?
એક સંભાવના એવી છે કે નેચરલ ડાયમંડની ડ્યુટી ભરવી ન પડે તે માટે આ કંપની ચાલુ કરી હતી. SEZમાંથી એક્સપોર્ટ થતા માલ પર કોઈ ડ્યુટી લાગતી નથી. જેનો ફાયદો આ કેસમાં ઉઠાવવામાં આવ્યો હોઈ શકે છે.
સામાન્ય રીતે ઓવર વેલ્યુએશન કરીને હવાલા રેકેટ ને અંજામ અપાય છે. કાગળ પર માલની કિંમત મોટી બતાવવામાં આવે છે. અને તે માલ ઈમ્પોર્ટ કરાય છે અને તેનું પેમેન્ટ કરવા માટે બેંક મારફતે જ રકમ મોકલી આપવામાં આવે છે. આ કેસમાં અંડર વેલ્યુએશન છે અને માલની કિંમત ઓછી બતાવવામાં આવી છે.
એક ગણતરી એવી પણ છે કે ઇન્કમટેક્સનું પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે સિન્થેટિક ડાયમંડની સાથે નેચરલ ડાયમંડ મૂકીને એક્સપોર્ટ કરી દેવામાં આવ્યા છે.
વિભાગ દ્વારા કંપનીના છેલ્લા 3 વર્ષના વેપારના ડેટાની ચકાસણી શરૂ કરવામાં આવી છે. અને મિત કાછડીયા પાછળ બીજા કયા મોટા ખેલાડીઓની સંડોવણી હોય શકે છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.