Surat : બ્રિજ સીટી સુરતમાં 117 પૈકી ફક્ત 37 બ્રિજનું જ નામકરણ

સામાન્ય રીતે બ્રિજોના (Bridge ) નામકરણ બાબતે કોઇ વિવાદ પણ મોટેભાગે ઉપસ્થિત થયો નથી. આ સ્થિતિમાં મનપા દ્વારા ક્યાં કા૨ણસ૨ જનતાના કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજોનું નામકરણ કરવામાં આવતું નથી?

Surat : બ્રિજ સીટી સુરતમાં 117 પૈકી ફક્ત 37 બ્રિજનું જ નામકરણ
Bridge City Surat (File Image )
| Edited By: | Updated on: Aug 09, 2022 | 4:32 PM

શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત નાના-મોટા કુલ 117 બ્રિજો મનપા દ્વારા અત્યાર સુધી ખુલ્લા મૂકાયા છે અને કેટલાંક બ્રિજોની કામગીરી પ્રગતિ હેઠળ છે. શહેર, રાજ્ય કે દેશ સંબંધી કાબિલેતારીફ કામગીરી કરનાર મહાનુભાવોના નામો પરથી મોટેભાગે બ્રિજોના નામકરણ કરવામાં આવે છે. જોકે, મનપા પાસે કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત અને લોકો માટે ખુલ્લા મૂકાયેલ બ્રિજોના નામકરણ માટે મહાનુભાવોના નામોની યાદી જ ઉપલબ્ધ હોય તેવું લાગતું નથી. આ મુદ્દો ભાજપના જ સ્થાનિક નગરસેવક દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.

117 બ્રિજો પૈકી ફક્ત 37 બ્રિજનું જ નામકરણ :

શહેરમાં કાર્યરત કુલ 117 બ્રિજો પૈકી અત્યાર સુધી માત્ર 37 બ્રિજોના નામકરણ અત્યાર સુધી મનપા કરી ચૂકી છે. શહેર, રાજ્ય કે દેશ માટે મહત્વનું યોગદાન આપનાર મહાનુભાવો, સ્વતંત્ર સેનાનીઓ વગેરેના નામ સાથે બ્રિજના નામને જોડી શકાય, પરંતુ મનપા તરફે કોઇ કારણસર આ બાબતે ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે.

સ્થાયી સમિતિના સભ્ય દક્ષેશ માવાણી દ્વારા અગાઉ સ્થાયી સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને બ્રિજોના નામકરણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માગણી પણ કરવામાં આવી હતી. શહેરમાં હાલ 15 નદી બ્રિજ, 28 ફ્લાયઓવર બ્રિજ, 13 રેલવે ઓવરબ્રિજ અને 61 ખાડી બ્રિજો કાર્યરત છે. મનપાના સત્તાવાર રેકોર્ડ મુજબ આ પૈકી 12 નદી બ્રિજ, 13 ફ્લાયઓવર બ્રિજ, 7 રેલવે ઓવર બ્રિજ અને 5 ખાડી બ્રિજોનું નામકરણ થયું છે.

હજી 80 બ્રિજનું નામકરણ બાકી :

આ સિવાય 80 બ્રિજોનું નામકરણ કોઇને કોઇ કારણસર અત્યાર સુધી થઇ શક્યું નથી. જે નોંધનીય બાબત ગણી શકાય. સામાન્ય રીતે બ્રિજોના નામકરણ બાબતે કોઇ વિવાદ પણ મોટેભાગે ઉપસ્થિત થયો નથી. આ સ્થિતિમાં મનપા દ્વારા ક્યાં કા૨ણસ૨ જનતાના કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજોનું નામકરણ કરવામાં આવતું નથી? તે તપાસનો વિષય બની રહે તેમ છે. આ મુદ્દે હવે ખુદ ભાજપના જ સ્થાનિક નગરસેવક દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે જોવાનું એ રહેશે કે બ્રિજના નામકરણ બાબતે હવે ભાજપ શાસકો કેવી રીતે કામ આગળ વધારે છે ?