સુરત (Surat) શહેરના વેસુ ખાતે અગ્રવાલ કોલેજમાં વિદ્યાર્થીઓ (Student )વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો અને મિત્રના (Friend) ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને પણ માર મરાયો હતો. જેથી સમાધાન કરાવવા માટે ગયેલા વિદ્યાર્થી અને તેના પિતા ઉપર વિદ્યાર્થીના ટોળાએ જીવલેણ હૂમલો કરતા મામલો બીચકાયો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. જેથી ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
સુરત શહેરની અંદર ફરી એક વખત અસામાજિક તત્વો અને માથાભારે છાપ ધરાવતા ઈસમોની દાદાગીરી સતત વધી રહી છે અને તેની પાછળનું માત્ર કારણ છે પોલીસની ઢીલી નીતિ. સુરતના પાંડેસરા બમરોલી ખાતે હરિધામ સોસાયટીમાં રહેતા શંભુસીંગ હરીસીંગ રાઠોડ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો પુત્ર સુરજપાલ જે વેસુ વિસ્તારમાં આવેલ આગમ શોપીંગ વર્લ્ડ નજીક અગ્રવાલ વિદ્યાવિહાર કોલેજમાં બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
સુરજપાલના મિત્ર નિશાંતનો ગતરોજ કોલેજમાં ઝઘડો થયો હતો. જેથી સુરજપાલે વચ્ચે પડી નિશાંતને છોડાવ્યો હતો. પરંતુ નિશાંત સાથે ઝઘડો કરનાર નિખીલગીરી, શીવમ રાજપૂત, અમન રાજપૂત, કમલ ઝા અને ચંદ્રેશે સુરજપાલને મારવાની ધમકી આપી હતી. જેથી ડરી ગયેલા સુરજપાલે તેના પિતા શંભુસીંગ હરીસીંગ રાઠોડને કોલ કર્યો હતો. શંભુસીંગે તુરંત જ કોલેજના પ્રિન્સીપાલ સાથે મોબાઇલ પર વાતચીત કર્યા બાદ સુરજપાલને ધમકી આપનાર અન્ય વિદ્યાર્થીઓને સમજાવવા માટે કોલેજ ખાતે ગયા હતા.
કોલેજની બહાર જ ઘટેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં પાંચથી સાત લોકો બે ગાડીમાં આવે છે. ત્યારબાદ પિતા-પુત્ર પર ચપ્પુ લઈને તૂટી પડે છે. હુમલાના પગલે આસપાસના લોકોમાં દોડાદોડી મચી જવા પામી હતી. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં વધતી ગુનાખોરી માટે સુરત પોલીસ દ્વારા કોઈ ચોક્કસ નીતિ બનાવવી જરૂરી રહેશે નહીં તો આવનારા દિવસોની અંદર નાની મોટી ઘટનાઓ સામે આવે તો નવાઈ નહીં.