શહેરના છેવાડે આવેલા ઈચ્છાપોર જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં આજે મળસ્કે ચાર વાગ્યાની આસપાસ ગેસ લીકેજ બાદ અચાનક જ બ્લાસ્ટ થઇ આગ ફાટી નીકળતાં ભારે અફરા તફરી મચી જવા પામી હતી. દુર્ઘટનાને પગલે ફેકટરીમાં કામ કરી રહેલા કંપનીના પાંચ કર્મચારીઓ દાઝી જતાં તેઓને શહેરની અલગ – અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવનો કોલ ફાયર વિભાગને મળતા જ અડાજણ અને પાલનપુર ફાયરવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
જોકે, દુર્ઘટનાને પગલે કંપનીને લાખ્ખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ તો સામે આવ્યું નથી, પણ ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તબક્કે લેબોરેટરીમાં બ્લાસ્ટને આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળ્યું છે.
આજે વહેલી સવારે હજીરા – મગદલ્લા રોડ પર આવેલ ઈચ્છાપોર જીઆઈડીસીમાં યુરો ઈન્ડિયા ફ્રેશ ફુડ્સ લીમીટેડની લેબોરેટરીમાં અચાનક ગેસ લીકેજને કારણે દુર્ગંધ ફેલાઈ જવા પામી હતી. અસહ્ય દુર્ગંધને પગલે લેબોરેટરીમાં કામ કરી રહેલા કર્મચારી દ્વારા એસી બંધ કરવા જતાં જ અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે લેબોરેટરી સહિત ફેકટરીમાં આવેલ બારીઓના કાંચ પણ તુટી ગયા હતા.
અચાનક પ્રચંડ વિસ્ફોટને પગલે આસપાસની ફેકટરીઓના કારીગરોમાં પણ દોડીને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લેબોરેટરીમાં વિસ્ફોટ બાદ જોત જોતામાં આગ પ્રસરી જતાં કંપનીમાં કામ કરી રહેલા 22 વર્ષીય શિવ પ્રસાદી રામેશ્વર ઠુમર, 22 વર્ષીય અંકિત યશવંત વળવી, 22 વર્ષીય વિપુલ કૃષ્ણ વળવી અને 23 વર્ષીય પાર્થ હસમુખ પટેલ દાઝી જતાં તેઓને પ્રમુખ સ્વામી અને મિશન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ અડાજણ અને પાલનપુર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે જઈને પરિસ્થિતિને થાળે પાડી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.