સુરત (Surat ) જિલ્લાના અંતરિયાળ ગામોમાં હજી પણ દીપડાનો(Leopard ) ડર યથાવત રહેવા પામ્યો છે. ફરી એકવાર દીપડો દેખાતા ગ્રામજનોમાં (Villagers ) ભય જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના માંડવી તાલુકાના માંડવી કિમ સ્ટેટ હાઇવે પર દીપડો જોવા મળ્યો છે. એક વાહનચાલકે આ દીપડાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે બ્રિજની રેલિંગ પર દીપડો પસાર થઇ રહ્યો છે. ગાડી નજીકથી પસાર થતા દીપડો એકદમ જ ઝડપથી ભાગી જાય છે. જોકે તેમ છતાં તે મોબાઈલ ના કેમેરામાં કેદ થઇ ગયો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વધુમાં મળી રહેલી માહિતી પ્રમાણે માંડવી કિમ સ્ટેટ હાઇવે પર કાછીયાબોરી ગામ નજીક એક બ્રિજ આવેલ છે. આ પુલ પરથી દીપડો પસાર થયો હોવાનો વિડીયો સામે આવ્યો છે. રાત્રી દરમ્યાન અહીંથી પસાર થતા એક ફોર વ્હીલ ચાલકે આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો છે.
જુઓ વિડીયો :
ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ પહેલા પણ અનેક વાર આ જ પ્રકારે દીપડાઓ ગામમાંથી પસાર થતા જોવા મળ્યા છે. તેના કારણે ખેતરમાં કામ કરતા ખેત મજૂરોમાં ખુબ ભય જોવા મળી રહ્યો છે. આ દીપડાઓ દ્વારા પાલતુ પ્રાણીઓ પર અનેક વાર હુમલાઓ પણ કરવામાં આવ્યા છે.
સ્થાનિકોએ આ બાબતની જાણ પણ વન વિભાગને કરી છે. અને વન વિભાગે સ્થાનિકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને નજીકના ખેતરોમાં પાંજરા મુકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી ભવિષ્યમાં દીપડાને પાંજરામાં કેદ કરી શકાય અને ગ્રામજનો માં હાલ જે ભયનો માહોલ ઉભો થયો છે, તેને ઓછો કરી શકાય.
નોંધનીય છે કે આ પહેલા પણ વ્યારા તાલુકામાં આ જ પ્રકારે દીપડા ફરતા હોવાના વિડીયો વાયરલ થયા હતા. જેમાં એક સાથે ચાર દીપડા પણ જોવા મળ્યા હતા. જોકે વનવિભાગની કાર્યવાહી બાદ બે દીપડાઓને પાંજરે પૂર્વમાં સફળતા પણ મળી હતી.
Input by Jignesh Mehta