હાલ આખા રાજ્યમાં મેઘ મહેર ચાલી રહી છે. લોકો વરસાદનો ભરપૂર આનંદ પણ ઉઠાવી રહ્યા છે. ત્યારે ભારતીય રેલવેની એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોને વગર વરસાદે પલળવાની સુવિધા પણ ભારતીય રેલવે એ આપી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. વાત સોમવારની છે, જ્યારે રાજસ્થાન જતી યશવંતપુર-બીકાનેર એક્સપ્રેસના થર્ડ ક્લાસ એર કન્ડિશન્ડ કોચમાં પાણી લીક થવા લાગ્યું હતું, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી હતી. મુસાફરોએ તાત્કાલિક જ રેલવે સ્ટાફને ફરિયાદ કરી કોચ બદલવાની માંગ કરી હતી. સુરત પહોંચ્યા બાદ મુસાફરોની ધીરજ ખૂટી હતી અને વારંવાર ચેઇન ખેંચવાથી ટ્રેન આગળ જતી અટકી ગઈ હતી. ઘણી સમજાવટ બાદ પણ મુસાફરો રાજી ન થયા હતા અને આખરે બે કલાકની જહેમત બાદ રેલવેએ અન્ય એસી કોચ ઉમેરીને ટ્રેનને રવાના કરી હતી.
આ ઘટનાને કારણે મુંબઈથી વડોદરા જતી કેટલીક ટ્રેનોના પ્લેટફોર્મ બદલવાની પણ ફરજ પડી હતી, જેના કારણે મુસાફરો સામાન લઈને અહીંથી ત્યાં દોડતા જોવા મળ્યા હતા. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન નં. 16587 યશવંતપુર-બીકાનેર એક્સપ્રેસ રવિવારે સવારે 11 વાગ્યે ઉપડી હતી. ટ્રેન સોમવારે સાંજે 5.35 કલાકે સુરત રેલવે સ્ટેશન પર પહોંચી હતી.
મુસાફરોએ જણાવ્યું કે, યશવંતપુર-બીકાનેર એક્સપ્રેસના થર્ડ ક્લાસ એર કન્ડિશન્ડ સ્લીપર કોચ બી-4માં પાણી લીક થઈ રહ્યું હતું. મુસાફરોએ જણાવ્યું હતું કે, સુરત પહેલાં પણ ઘણા સ્ટેશનો પર રેલવે પાસે કોચ બદલવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ રેલવેએ કોચ બદલ્યો ન હતો. સુરત પહોંચ્યા બાદ મુસાફરોએ ટ્રેનને આગળ જવા દીધી ન હતી. મુસાફરોએ રેલવેને કોચ બદલ્યા બાદ જ ટ્રેન શરૂ કરવા જણાવ્યું હતું. રેલ્વેએ સુરત યાર્ડમાંથી જ વધારાના એસી એલએચબી કોચની વ્યવસ્થા કરી હતી અને કોચને સાંજે 6.40 વાગ્યે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પર જોડવામાં આવ્યો હતો. રેલવેએ B-4ના તમામ મુસાફરોને બીજા કોચમાં શિફ્ટ થવા માટે કહ્યું, ત્યારબાદ મુસાફરોએ રાહત અનુભવી હતી. યશવંતપુર – બિકાનેર એક્સપ્રેસને લગભગ 6.55 કલાકે સુરત સ્ટેશનથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
રાજસ્થાન જતી યશવંતપુર બિકાનેર એક્સપ્રેસના એસી કોચમાં છતમાંથી પાણી ટપકતા મુસાફરો પરેશાન#railway #IndianRailways #Surat #Gujarat #TV9News pic.twitter.com/v5Qkf3hOfk
— Tv9 Gujarati (@tv9gujarati) July 7, 2022
સુરત રેલવે સ્ટેશનના એ.આર.ઓ. દિનેશ શર્મા સાથે ટીવી9 એ કરેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અમને આ ફરિયાદ મળી હતી, એસી કોચમાં પાણી લીક થઈ રહ્યું હતું. અમે નવો કોચ જોડ્યો હતો, જેને બે કલાક જેટલો સમય લાગ્યો હતો. કોઈ ટેક્નિકલ ફોલ્ટને કારણે આ થયું હોય શકે છે. આ દરમિયાન મુંબઈથી વડોદરા જતી ઘણી ટ્રેનોને પ્લેટફોર્મ 2 અને 3 પરથી દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મુસાફરોએ જણાવ્યું હતું કે, આખા કોચમાં પાણી ફેલાઈ ગયું હતું અને દુર્ગંધને કારણે મુસાફરી કરવી મુશ્કેલ બની ગઈ હતી. છેલ્લા ઘણા સ્ટેશનો પર રેલવે તરફથી કોચ બદલવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ રેલવેએ કોચ બદલ્યો ન હતો. બાદમાં સુરત સ્ટેશન પર વધારાના કોચ ઉમેર્યા હતા.
Published On - 2:02 pm, Thu, 7 July 22