Surat: મહામારીમાં હોસ્પિટલોની બેફામ લૂંટફાટ વચ્ચે એક હોસ્પિટલે દર્દીનું 3 લાખનું બિલ માફ કરી માનવતા મહેંકાવી

કોરોના અથવા મ્યુકરમાઇકોસીસની વધારે અસર અથવા ગંભીર અસર થઈ હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાં વધારે દિવસ રહેવાનો વારો આવે છે.

Surat: મહામારીમાં હોસ્પિટલોની બેફામ લૂંટફાટ વચ્ચે એક હોસ્પિટલે દર્દીનું 3 લાખનું બિલ માફ કરી માનવતા મહેંકાવી
Surat
| Edited By: | Updated on: May 30, 2021 | 8:41 AM

કોરોના અથવા મ્યુકરમાઇકોસીસની વધારે અસર અથવા ગંભીર અસર થઈ હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાં (Hospital) વધારે દિવસ રહેવાનો વારો આવે છે. આવા સમયે હોસ્પિટલમાં લાંબુ બિલ (Bill) બનતા દર્દીના પરિવારજનો માનસિક તો ઠીક પણ આર્થિક રીતે પણ પડી ભાંગે છે. પોતાના સ્વજનને બચાવવા માટે લોકો ઘર, જમીન વેચીને પણ હોસ્પિટલના બિલ ચૂકવ્યા હોય તેવા કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે સુરતની એક એવી હોસ્પિટલ પણ છે કે જેણે દર્દીની આર્થિક પરિસ્થિતિ જોઈને તેનું બિલ માફ કરી દીધું હતું.

મૂળ બિહારના અને હજીરા મોરાગામ ખાતે રહેતા 25 વર્ષીય મુન્ના મોહંતા નામના યુવકને કોરોનાના કારણે ફેફસામાં 90 ટકા ઇન્ફેક્શન થયું હતું. તેનું ઓક્સિજન લેવલ પણ 40 સુધી પહોંચી ગયું હતું. આ યુવકને 10 દિવસ સુધી વેન્ટિલેટર અને પછી બાઇપેપ સહિતની સારવાર આપવામાં આવી હતી.

આમ આ યુવકને 35 દિવસ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. આ દરમ્યાન હોસ્પિટલનું બિલ પાંચ લાખ સુધીનું બની ગયું હતું. છતાં તબીબોએ પરિવારજનોને નાણાં જમા કરાવવા ફરજ પાડી ન હતી. છતાં યુવકના પરિવારજનોએ આસપાસના લોકો અને યુવકની નોકરીના સ્થળેથી બે લાખ રૂપિયા લઈ જમા કરાવવા આવ્યા હતા.

જોકે આ કપરાકાળમાં પરિવારની આર્થિક સ્થિતિ જોઈને તબીબોએ માનવતા મહેકાવી હતી અને બીલના રૂપિયા લેવાનો ઇનકાર કરી દીધો હતો. ડોકટર ભાવિક અને સંદીપે જણાવ્યું હતું કે દર્દીનો જીવ બચાવવો તેમને પ્રાથમિકતા સમજી હતી.

પરિવારની આર્થિક સ્થિતિ જોઈને હોસ્પિટલે કોઈ ડિપોઝીટ પણ લીધી ન હતી. અને હોસ્પિટલનો તમામ ખર્ચ, દવા, ઇન્જેકસન, રિપોર્ટ અને ભોજન સહિતના ખર્ચ હોસ્પિટલે જ ભોગવ્યા હતા. મેનેજમેન્ટને પહેલાથી ખબર હતી કે દર્દી બિલ ભરી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી હોસ્પિટલ દ્વારા આ બિલ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.