સુરત(Surat ) મહાનગર પાલિકાના શાસકો દ્વારા સુરત ટેક્સટાઈલ(Textile ) માર્કેટના વહીવટદારોને કરોડો રૂપિયાની જમીન(Land ) કોડીના ભાવે આપી દેવાના વિવાદમાં હવે એક નવો ફણગો ફુટ્યો છે. માર્કેટના વેપારીઓને કરવામાં આવેલી એક અપીલમાં માર્કેટના તમામ વેપારીઓને આગામી 5મી તારીખ સુધી મેઈન્ટેનન્સ ઓફિસમાં પાંચ લાખ રૂપિયા જમા કરાવવા માટે જણાવાયું છે.
જે પૈકી ચાર લાખ રૂપિયાનો ચેક સુરત ટેક્સટાઈલ માર્કેટના નામે જ્યારે એક લાખ રૂપિયાનો ચેક ભાજપના નામ લખવા માટે વેપારીઓને નિર્દેશ કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે ભાજપના નામે જે એક લાખ રૂપિયાનો ચેક લખવા માટે જણાવાયું છે તે ઈન્કમ ટેક્સ રિફંડેબલ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે.
સુરત ટેક્સટાઈલ માર્કેટના મેનેજીંગ કમિટીના સભ્ય અને કાપડ વેપારી દિનેશકુમાર રાઠોડ દ્વારા હાલમાં જ માર્કેટના 1033 દુકાનદારોને એક મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ વેપારીઓને અપીલ કરી હતી કે, માર્કેટ લીઝ માટે સુરત મહાનગર પાલિકામાં આગામી 5મી માર્ચ પહેલા રકમ જમા કરાવવાની છે અને તે માટે તમામ વેપારીઓએ ચાર લાખનો ચેક સુરત ટેક્સટાઈલ માર્કેટના નામે જ્યારે એક લાખ રૂપિયાનો ચેક ભારતીય જનતા પાર્ટીના નામે આપવાનો છે.
આ અપીલમાં સૌથી વધુ આશ્ચર્ય સાથે આઘાતજનક એ છે કે, દિનેશ રાઠોડ નામના વેપારી દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેમાં ભાજપને જે ચેક આપવાનો છે તે ઈન્કમ ટેક્સમાં રિફંડેબલ હોવાનું પણ જણાવાયું છે. આ અપીલને પગલે વેપારીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે ભાજપને એક લાખ રૂપિયાનો ચેક આપવાનો તે પાર્ટી ફંડ પેટે ફરજીયાત છે કે મરજીયાત છે તેની કોઈ ચોખવટ આ વેપારી દ્વારા કરવામાં આવી નથી.
સુરત શહેરના હાર્દ સમા રિંગરોડ વિસ્તારમાં આવેલ સોનાની લગડી સમાન જમીન મહાનગર પાલિકા દ્વારા 50 વર્ષ પૂર્વે સુરત ટેક્સટાઈલ માર્કેટને લીઝ પર આપવામાં આવી હતી. આ લીઝ સને 2018માં પૂર્ણ થઈ ગયી હતી અને ત્યારબાદ સુરત મહાનગર પાલિકાના શાસકો દ્વારા જંત્રીના ભાવે 127 કરોડમાં 50 વર્ષ માટે ભાડાપટ્ટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન વિરોધ પક્ષ દ્વારા પણ ભારે હોબાળો કરવામાં આવ્યો હતો અને અંતે શાસકો દ્વારા આ ઠરાવને પણ દરકિનાર કરીને 127 કરોડમાં જ 99 વર્ષ માટે એસટીએમ માર્કેટને લીઝ પર આપી દેવામાં આવી હતી.
મહાનગર પાલિકાના શાસકો દ્વારા એસટીએમ માર્કેટને કોડીના ભાવે કરોડોની જમીન તાસક પર ધરી દેવાના નિર્ણયનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. અલબત્ત, બહુમતિના જોરે એકતરફી નિર્ણય લેનારા શાસકો હવે એક વેપારીની અપીલને પગલે બેકફુટ પર ધકેલાઈ ગયા છે. આ સંદર્ભે આગામી દિવસોમાં ભાજપ દ્વારા આ વેપારી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ હવે ચર્ચાનો દૌર શરૂ થઈ ચુક્યો છે.
આ પણ વાંચો :