ખાનગી (Private ) શાળા છોડી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં (School ) 8311 વિદ્યાર્થીઓએ ધોરણ-બે થી ધોરણ 8 માં પ્રવેશ(Admission ) લીધા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 329 શાળાઓ છે. શૈક્ષણિક વર્ષ 2022-2023 માં ધોરણ-1 થી 8માં કુલ 1,71,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે આ ચાલુ વર્ષે ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. આ વર્ષે ખાનગી શાળાઓમાંથી સમિતિની શાળામાં 8311 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા છે.
ખાનગી શાળામાંથી સમિતિની શાળામાં આવવાના કારણો જોઇએ તો સમિતિની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થયો છે. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો છે. સારી ભૌતિક સુવિધા, વાલીઓમાં પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં મૂકવાનો મોહ ઓછો થઇ રહ્યો છે. ખાનગી શાળાઓમાં થતો ફી વધારો, વાલીઓનું સ્થળાંતર, કોરોનાને કારણે વાલીઓની આર્થિક પરિસ્થિતિ નબળી થવાને કારણે અને વધતી જતી મોંઘવારી પણ વાલીઓને પોતાના બાળકોને સમિતિની શાળામાં મૂકવા તરફ પ્રેરિત કર્યા છે.
વધુમાં ખાનગી શાળામાંથી સમિતિની શાળામાં પ્રવેશ થયાં હોય તેવી શાળાઓમાં સૌથી વધુ શાળાઓ સૌરાષ્ટ્રવાસી બહુમતીવાળા વિસ્તાર જેવા કે કતારગામ, વરાછા અને ત્યારબાદ પરપ્રાંતીય અને સ્લમ વસ્તીવાળા વિસ્તારો લિંબાયત અને ઉધનાની શાળાઓમાં વધુ પ્રવેશ થયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમિતિની ઘણી શાળાઓ સ્માર્ટ અને મોડેલ શાળાઓ તરીકે ઉભરી આવી છે. જેમાં વાલીઓ પોતાના બાળકોના પ્રવેશ લેવા માટે મોટી સંખ્યામાં ફોર્મ ભરતા હોય છે.
ધોરણ-1ની પ્રવેશ પ્રક્રિયાના શરૂઆતમાં જ મોટી સંખ્યામાં વાલીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા હતા. પ્રવેશ માટે ધસારો જોવા મળ્યો હતો. સમિતિની 329 શાળાઓ છે. તેમાં શૈક્ષણિક વર્ષ 2022-2023 ધોરણ-1માં 20,371 બાળકોએ પ્રવેશ લીધા છે.ગયા વર્ષે 15,397બાળકોએ પ્રવેશ લીધા છે. આ વર્ષે રેકોર્ડબ્રેક પ્રવેશ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમિતિની ઘણી સ્માર્ટ અને મોડેલ શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓએ ધસારો કર્યો હતો. પોતાના બાળકને સારું શિક્ષણ આપવા સમિતિની આ શાળાઓમાં પ્રવેશ લીધા હતા.