સુરત મહાનગરપાલિકા તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ હોવાની વાતો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કોર્પોરેટરોને લાખો રૂપિયાના લેપટોપની લહાણી કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના 120 જેટલા કોર્પોરેટરોને રૂપિયા 87 લાખ કરતાં વધારેના ખર્ચે લેપટોપ આપવામાં આવ્યા છે. 5 વર્ષે પરત કરવાની શરતે આ લેપટોપ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
એકબાજુ મહાનગર પાલકા તિજોરીનું તળિયું દેખાતું હોવાથી વર્તમાન શાસકો કરકસરનું ગાણું ગાઈ ઘણા લોક ઉપયોગી કાર્યો પર કાપ મૂકી રહ્યા છે. ત્યારે બીજી બાજુ લાખો રૂપિયાના લેપટોપની લ્હાણી તમામ 120 જેટલા કોર્પોરેટરોને કરવામાં આવી છે. જેની કુલ કિંમત 87 લાખ કરતા વધારે થાય છે.
અગાઉ પદાધિકારીઓ માટે મોંઘી ગાડી, મોબાઈલ ફોન અને ડેસ્ક ટોપ કોમ્યુટર ખરીદાયા બાદ હવે પ્રજાના ટેક્સમાંથી મોંઘા લેપટોપ ખરીદાયા છે. જોકે આ વખતે તમામ નગર સેવકોને ટર્મ પૂરી થયા બાદ લેપટોપ પરત કરવાના રહેશે તેવી શરતે લેપટોપ અપાયા હોવાનું જાણવા મળ્યું છે.
મનપા દ્વારા લેપટોપની લ્હાણી કરાઈ છે જેનો વિપક્ષ આપ સહીત તમામ નગરસેવકોએ હોશે હોશે સ્વીકાર કર્યો છે. જો કે ઘણા નગરસેવકો તો એવા પણ છે કે જેને લેપટોપ ચલાવતા પણ નથી આવડતું.
ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજી આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર અને મનપા આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. અને લોકોના કામ થાય જેથી આ લેપટોપની ફાળવણી કરવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન થઇ રહ્યા છે. જેને લઈને આ લેપટોપનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુ છે. કોર્પોરેટર લોકોની વચ્ચે રહે તે માટે આ લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું છે.
બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ આ લેપટોપ કોઈપણ વિરોધ વગર સ્વીકારી લેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસે આ મુદ્દે બંને પક્ષ પર આક્ષેપ કરતા કહ્યું છે કે ફાયદાની વાત આવે ત્યારે બંને પક્ષ એક થઈ જાય છે.