કોરોના (Corona) મહામારીના ત્રીજા તબક્કાની (Corona Third Wave) સંભવિત લહેર પર અંકુશ મેળવવા માટે રાજય સરકાર દ્વારા હવે આકરા નિર્ણયોની પ્રબળ શક્યતા વચ્ચે આજે બપોર સુધીમાં જ સુરત શહેરમાં 569 નાગરિકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ગુરૂવારે રેકોર્ડબ્રેક 1,105 કેસો બાદ આજે બપોર સુધીમાં 550થી વધુ કેસો નોંધાતા તંત્ર પણ સાબદું થઈ ગયું છે. આ સિવાય સિવિલ હોસ્પિટલમાં આજે કોરોનાગ્રસ્ત વધુ એક મહિલાના મોતને પગલે હોબાળો મચી જવા પામ્યો છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં કોરોના વાઈરસ વધુ એક વખત ઘાતકી પુરવાર થઈ રહ્યો છે. સતત વધી રહેલા કેસો વચ્ચે તંત્ર દ્વારા પણ હવે ટેસ્ટિંગ વધારવાની સાથે સાથે અન્ય કામગીરી સઘન કરવામાં આવી છે. શુક્રવારે બપોર સુધીમાં સુરત શહેરના તમામ ઝોન વિસ્તાર મળીને 569 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતાં ચકચાર મચી જવા પામી છે.
આ સિવાય આજે જીઆવ બુડિયા ખાતે સંગમ સોસાયટીમાં રહેતા એક 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મહિલાના પુત્રે જણાવ્યું હતું કે છેલ્લા બે – ત્રણ દિવસથી તેઓને પગમાં સોજો હતો અને ચાલવામાં તકલીફ પડી રહી હતી. જેને પગલે આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવતાં તેઓનો કોવિડ-19નો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. જે પોઝિટીવ આવ્યા બાદ સારવાર શરૂ કરવામાં આવે તે પહેલા જ મહિલાનું મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગત 22મી ડિસેમ્બરના રોજ સારવાર દરમ્યાન કોરોનાગ્રસ્ત દર્દીના મોત બાદ આજે વધુ એક મહિલાના મોત સાથે કુલ મૃતાંક 1,631 પર પહોંચ્યો છે. સિવિલના તંત્ર દ્વારા મૃતક મહિલાની કોવિડ-19 પ્રોટોકોલ હેઠળ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે મહિલાનું મોત થયું છે તેણે વેક્સિનના એક પણ ડોઝ લીધા નહીં હતા. આ પણ એક કારણ છે કે માત્ર કોરોનાથી નહીં પણ મોત થી બચવા માટે વેક્સીન કેટલી જરૂરી છે.
કોરોના મહામારીના સંક્રમણથી સુરત મહાનગર પાલિકા પણ બાકાત રહ્યું નથી. અગાઉ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ હવે વિરોધ પક્ષના નેતા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેઓની તબિયત હાથ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ ઘરે જ હોમ આઈસોલેટ થયા છે.