Surat: પોલીસ સમન્વયના ઉદય શાહ સામે બારડોલી પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ, મહિલા સમક્ષ કરી અભદ્ર માંગણી

|

Jun 12, 2021 | 7:26 PM

ભેજાબાજ ઉદય શાહે ધીમે ધીમે બારડોલીમાં સભ્યો બનાવવાની શરૂઆત કરી હતી. પુરુષો અને મહિલાઓ મળી 12થી વધુ સભ્યો પાસે બેફામ રકમ વસૂલી હતી.

Surat: પોલીસ સમન્વય (police samanvay)ના ઉદય શાહ (uday shah) સામે બારડોલી (Bardoli) પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાઈ છે. ઉદય શાહ ઓફિસમાં કામ કરતી એક મહિલા સમક્ષ અભદ્ર માંગણી કરી છેડતી કરતો હતો. પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

 

બારડોલીમાં પોલીસ સમન્વય નામની સંસ્થા સાથે જોડાયેલા અને ધામડોદ લુમ્ભાની સરદાર વિલા સોસાયટીમાં રહેતા ઉદય શાહ દ્વારા સભ્ય બનાવવાના નામે લાખોની ગેરરીતિ કરવાનો આરોપ લાગ્યા બાદ તેની સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે.

 

ગાંધી રોડ પર આવેલી પોલીસ સમન્વય સંસ્થામાં કામ કરતી એક મહિલાને છેલ્લા દોઢ વર્ષથી ઉદય શાહ હેરાન કરતો હતો. મહિલા પાસે અવારનવાર કિસ અને હગ કરવાની અભદ્ર માગ કરતો હતો અને અશ્લીલ ચેનચાળા કરતો હતો. મહિલા તેની વાતોમાં આવતી ન હતી. જ્યારે પણ મહિલા ઓફિસમાં કામ અર્થે આવતી ત્યારે તેની એકલતાનો લાભ લઈ ગંદી કોમેન્ટ કરી શારીરિક સંબંધની માગણી કરતો હતો.

 

ઉદય શાહે એવી ધાક જમાવી હતી કે કોઈ સભ્યો કંઈ જ બોલી શકતા ન હતા. પોલીસ અધિકારી બની ઉદય શાહ રોફ ઝાડતો હતો. પૈસાનું ઉઘરાણું તો ઠીક પરંતુ સાથી મહિલા સભ્યો સાથે ગેરવર્તન કરતા આખો મામલો બહાર આવ્યો છે. મહિલાઓ તેને વશ થતી ન હોય તે સંસ્થામાંથી સસ્પેન્ડ કરવાની ધમકી આપતો હતો. ઉદય શાહના વર્તનથી પરેશાન મહિલાએ શુક્રવારે સાંજે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

 

પોલીસ સમન્વયમાં લોકોને જોડવા એને સમય જતા તરકીબ શરૂ કરી હતી. આમ તો સંસ્થામાં જોડાવવા માત્ર ૫ હજાર ફી હતી, પરંતુ ઉદય શાહ જાણે ગ્રાહક જોઈ પડીકા બાંધતો હોય તેમ સભ્યોની પરિસ્થિતિ મુજબ લાખો રૂપિયા પડાવ્યાનું બહાર આવ્યું હતું.

 

પોલીસ સમન્વયના હોદ્દેદારોનું માનીએ તો ભેજાબાજ ઉદય શાહે ધીમે ધીમે બારડોલીમાં સભ્યો બનાવવાની શરૂઆત કરી હતી. એક નહીં બે નહીં પરંતુ પુરુષો અને મહિલાઓ મળી 12થી વધુ સભ્યો પાસે બેફામ રકમ વસૂલી હતી. 10 હજારથી લઈને લાખો રૂપિયા સુધી ફી પેટે પૈસા વસૂલ્યા હતા. હાલ બારડોલી પોલીસે મહિલાની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો : Patan: હારીજમાં વઘુ એક ફાયરીંગની ચોંકાવનારી ઘટના, જૂની અદાવતમાં ખૂની ખેલ

 

Published On - 7:25 pm, Sat, 12 June 21

Next Video