વિધાનસભા ચૂંટણીને ભલે હજી વાર હોય પણ તેની તૈયારીઓ બંને પક્ષ દ્વારા અત્યારથી જ કરવામાં આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા જ આપના છ નગરસેવકોને આપની ટોપી છોડીને ભાજપનો ખેસ ધારણ કરી ચૂક્યા છે. પણ હવે જનતાની વચ્ચે પણ ભાજપ અને આમ આદમી પાર્ટી સીધી લડાઇમાં ઉતરી હોય તેવું દેખાઈ રહ્યું છે.
આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા સુરતમાં. સુરતમાં કઠોર ગામથી સિટી બસ સેવા શરૂ કરવા માટે વોર્ડ નંબર 2 ના આપ પાર્ટીના નગરસેવકો મોનાલી હિરપરા અને રાજેશ મોરડીયા લીલીઝંડી આપવા પહોંચ્યા હતા.
જોકે તે સ્થળે પહેલાથી જ હાજર કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ઝાલાવાડીયા એ આપના નગરસેવકોને જોઈને પિત્તો ગુમાવ્યો હતો. કામરેજ ના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપે કરેલા કામો પર વાહ વાહી લુંટવા અને ફોટોસેશન કરવામાં આપ પાર્ટી અવ્વલ છે.
આમ આદમી પાર્ટીના નગરસેવકો સરકારના કામ માં કેમ દખલગીરી કરે છે તેવું કહેતા આપના નગર સેવકો પણ વિફર્યા હતા. તેઓએ પણ જાહેરમાં જ ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાને રોકડું પરખાવ્યું હતું અને જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષોથી તમે અહીં ચૂંટાઈને આવો છો છતાં પણ પ્રજાના કામો હજી પણ કેમ બાકી છે. ખાડી પેક, રોડ રસ્તા, ગટર લાઈન સહિતના કામો હજી પણ બાકી બોલાય છે જેના માટે લોકો આમ આદમી પાર્ટીને રજૂઆત કરતા હોવાનું નગર સેવકોએ જણાવ્યું હતું.
રાજકીય પક્ષના પ્રતિનિધિઓને શોભે નહીં તે પ્રકારના દ્રશ્યો જાહેર રસ્તા પર જોવા મળ્યા હતા. અને ધારાસભ્ય તેમજ કોર્પોરેટરો રીતસર એકબીજાને હાથ બતાવીને બાખડતા નજરે ચડયા હતા. જોકે બાદમાં ત્યાં હાજર રહેલા સ્થાનિકો અને સાથી કાર્યકરો એ બંને પક્ષના પ્રતિનિધિઓને કરતાં મામલો શાંત પડ્યો હતો. જોકે એક વસ્તુ ચોક્કસ છે કે હવે બંને પક્ષો વચ્ચે આવનારી ચૂંટણીમાં જ્યારે હવે સીધી લડાઈ થવાની છે ત્યારે પ્રજાની વચ્ચે રહી કામો બતાવવા માટે બંને પક્ષ આરપારની લડાઈમાં ઉતરી આવ્યા છે.
આ પણ વાંચો : Kutch: મંદિરમાં ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી ,સીસીટીવીની મદદથી ભેદ ઉકેલાયો