Surat: પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાને બદલે લાભાર્થીઓને મળી રહી છે ફક્ત તારીખ પર તારીખ

વર્ષ 2018 માં થયેલા ડ્રોમાં જે રહીશોને આ ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા તે પૈકી લગભગ તમામે બેંક લોન કરીને મહાનગરપાલિકામાં આવાસોની રકમ જમા કરી છે.

Surat: પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાને બદલે લાભાર્થીઓને મળી રહી છે ફક્ત તારીખ પર તારીખ
Surat
| Edited By: | Updated on: May 25, 2021 | 4:03 PM

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા વેસુ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઇડબ્લ્યુએસ 2 (EWS-2) આવાસો બની રહ્યા છે. અહીં તેર માળના છ બિલ્ડિંગ બની રહ્યા છે. જેમાં કુલ 660 આવાસોનું મહાનગરપાલિકાનું આયોજન છે.

મહત્વની વાત એ છે કે વર્ષ 2018 માં થયેલા ડ્રોમાં જે રહીશોને આ ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા તે પૈકી લગભગ તમામે બેંક લોન કરીને મહાનગરપાલિકામાં આવાસોની રકમ જમા કરી છે. તેઓને માર્ચ એપ્રિલ 2019 માં આવાસના કબજા આપી દેવામાં આવશે, એવી હૈયાધરપત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી.

સમય મર્યાદા પૂર્ણ થયાને એક વર્ષ બાદ પણ રહીશોને આવાસો ન મળતાં તેઓ વારંવાર પાલિકા કચેરી પર રજૂઆતો કરીને થાક્યા છે. રહીશોના જણાવ્યા પ્રમાણે કોરોનાની કપરી પરિસ્થિતિને કારણે તેઓને હવે બેંક લોનના હપ્તા અને હાલ તેઓ જ્યાં રહે છે એ ઘર ભાડું એમ બબ્બે ખર્ચા આપી રહ્યા છે.

લાભાર્થીઓનાં જણાવ્યા પ્રમાણે માર્ચ 2019માં આ મકાનનો કબજો આપવાનો હતો. પણ પાલિકાનો બચાવ ત્યારે એવો રહ્યો કે તેમને જમીનનો કબજો આઠ મહિના મોડેથી મળ્યો. માર્ચ 2020માં પણ કોરોનાનું બહાનું કાઢવામાં આવ્યું હતું અને આજદિન સુધી આ આવાસોનું કામ મંથર ગતિએ ચાલતા લાભાર્થીઓની ધીરજ ખૂટી રહી છે.

છેલ્લા 4 વર્ષથી તેઓ મુદત વીતી ગયા બાદ પણ આવાસો મેળવી શક્યા નથી. આવાસોની રકમ સહિત 50 હજાર પણ મેઇન્ટેનન્સના લોન સાથે જમા કરાવી બાદ પણ તેઓને આવાસ ક્યારે મળશે તે અંગે કોઈ ચોક્કસ જવાબ મળી રહ્યો નથી.