
સુર્યા મરાઠી ગેંગના(Gang ) સાગરિત સફીઉલ્લા શેખ સાથેની અદાવત રાખી રવિવારે બાઇક સવાર બે અજાણ્યાં તેના પર એક ફાયરિંગ (Firing ) કરી ભાગી છૂટ્યા હતાં. ઇજાગ્રસ્ત સફી શેખને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બનાવ મામલે ચોક બજાર પોલીસે બંને અજાણ્યાં વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી સીસી ટીવી ફૂટેજનાં આધારે હુમલાખોરોને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.
ચોક બજાર પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ વેડરોડ સ્થિત વિશ્રામનગર સોસાયટીના મકાન નં. 144 માં રહેતાં 41 વર્ષીય સફીઉલ્લા મોહમ્મદસફી શેખ અગાઉ સૂર્યા મરાઠીનો સાગરિત હતો. તે સમયે તેમનાં દ્વારા સહકાર નહીં મળવાની અદાવત રાખી રવિવારે વેડરોડ રોયલ પોઇન્ટ સ્થિત અખંડ આનંદ કોલેજ સામે આવેલી સરદાર હોસ્પિટલ પાસે તેમનાં ઉપર બાઇક સવાર બે અજાણ્યાં પેટના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતાં. ગંભીર રીતે ઘવાયેલાં સફીઉલ્લા શેખને મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા ચોક બજાર પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી ઔસુરા દ્વારા તપાસ કરવામાં આવતાં તમામ ઘટના સીસીટીવી માં કેદ મળી આવી હતી. બનાવ મામલે ચોક બજાર પોલીસે હુમલો કરનારા બંને અજાણ્યાં વિરુદ્ધ ખુનની કોશિષ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી જાણકારી મુજબ ચોક બજાર પોલીસને તલસ્પર્શી તપાસ દરમિયાન ચાર જેટલા શંકાસ્પદ જણાતાં આરોપીઓના નામ મળી આવ્યાં છે.
જેના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે તે સફી નામનો યુવક અગાઉ સૂર્ય મરાઠી ગેંગનો સાગરીત રહી ચુક્યો છે. જોકે ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યું તેની ચોક્કસ માહિતી હજી સુધી સામે આવી શકી નથી. બનાવ અંગે ચોકબજાર પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને આશંકા છે કે ગેંગમાં અંદરોઅંદરની લડાઈમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હોય શકે છે. પોલીસે આ મામલે સફી નું પણ નિવેદન નોંધીને તે દિશામાં તપાસ શરૂ કરી છે.