સબ ટીવી પર છોકરાઓનો પ્રોગ્રામ આવવાનો છે તેમાં તમારી છોકરીને સિલેક્ટ કરી છે કહી નાણાં પડાવ્યા હતા ફેસબુક પર જાહેરાત જોઈ હીરા વેપારીની પત્નીએ અન્ય મહિલાને વાત કરતા તે જાળમાં ફસાઇ હતી.સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હીરા વેપારીની પત્નીએ ત્રણ વર્ષની પત્રીને સીરીયલ અને ફિલ્મોમાં કામ કરાવવાની લાલચમાં 3.10 લાખ ગુમાવ્યા હતા. જે બાબતે માતા દ્વારા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ દ્વારા આ ઠગને મધ્યપ્રદેશના ગવાલિયરથી ઝડપી પાડયો છે..
સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે કતારગામ ડી.એમ. પાર્ક સોસાયટીમાં રહેતા ચિતનભાઈ નાવડીયા કતારગામ ગોટાલાવાડી બજરંગ કોમ્પલેકસનાં હીરાનો વેપાર કરે છે. તેમના પત્ની તોરલબેન એક માત્ર પુત્રી મિસ્વાને સીરીયલ અને ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા હોય તે ફેસબુક પર કિડસ કાસ્ટીંગ અપડેસ નામના ગ્રુપમાં જોડાયા હતા. ગત 7 જાન્યુઆરીના રોજ નિધિ કપૂર નામની આઈડી પરથી એક અપડેટ તે ગ્રુપમાં મૂક્યું હતું કે કાસ્ટિંગ ફોર એમેઝોન પ્રાઈમ અને તેમાં તેનો નંબર લખ્યો હતો. આથી તોરલબેને તેને વ્હોટ્સએપ મેસેજ કરી વાત કરતા નિધિએ સૌરવ શ્રીવાસનો કોન્ટેક્ટ કરવા કહી તેનો નંબર આપ્યો હતો.
તોરલબેને સૌરવ શ્રીવાસનો ફોન પર સંપર્ક કરતા તેણે પોતાની ઓળખ કાસ્ટિંગ ક્રિએટીવ હેડ તરીકે આપી તોરલબેનને પુત્રીના ફોટા મોકલવા કહેતા તેમણે ફોટા મોકલી આપ્યા હતા. ત્યાર બાદ સૌરવે તોરલબેનને ફોન કરી સબ ટીવી પર નાના છોકરાઓનો પ્રોગ્રામ આવવાનો છે તેમાં તમારી છોકરીને સિલેક્ટ કરી છે કહી રજીસ્ટ્રેશનના રૂ.45 હજાર પૈકી રૂ.25 હજાર હાલમાં અને બાકીના રૂ.20 હજાર કન્ફર્મેશન લેટર આવ્યા બાદ ભરવા કહ્યું હતું.
તોરલબેને રૂ.25 હજાર સૌરવના એકાઉન્ટમાં ભર્યા હતા છતાં કંફર્મેશન લેટર આવ્યો નહોતો. આ અંગે પૂછતાં સૌરવે પ્રોડકશન હાઉસ બધું પેમેન્ટ માંગે છે તેમ કહેતા તોરલબેને બાકીની રકમ પણ ભરી હતી, છતાં લેટર આવ્યો નહોતો. ત્યાર બાદ સૌરવે તોરલબેનને ફોન કરી સ્ટાર પ્લસના શોમાં જોડાવા માટે બીજા રૂ.60 હજાર ભરાવ્યા હતા. ત્યાર બાદ સબ ટીવીના શોમાં બીજા રૂ.40 હજાર અને સ્ટાર પ્લસના શોમાં રૂ.25 હજાર ભરાવ્યા હતા. આટલી રકમ ભરવા છતાં સૌરવ તોરલબેનને કન્ફર્મેશન લેટર અંગે યોગ્ય જવાબ આપતો નહોતો.
ત્યાર બાદ સૌરવે 22 જાન્યુઆરીના રોજ તોરલબેન પાસે પોર્ટફોલીયો ચાર્જ પેટે રૂ.65 હજાર ભરાવી અક્ષયકુમારની રક્ષાબંધન મુવી માટે તમારી છોકરી સિલેક્ટ થઈ છે તેમ કહી તેના માટે રૂ.75 હજાર ભરાવ્યા હતા. રૂ.3.10 લાખ ભરાવવા છતાં સીરીયલ કે ફિલ્મમાં કામ નહીં આપનાર સૌરવને તોરલબેને વારંવાર પૂછ્યું ત્યારે તેણે શરૂઆતમાં ફોન ઉપાડવાનું બંધ કરી બાદમાં ફોન જ બંધ કરી દીધો હતો.
બાદમાં તેની સાથે છેતરપીડી થઈ હોવાનું ધ્યાને આવતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.પોલીસે મધ્યપ્રદેશ ટોપેવાલા મહોલ્લામાં રહેતા આરોપી સૌરવ મહેશ રાજારામ શ્રીવાસનોને ઝડપી પાડયો હતો. આરોપી મધ્યપ્રદેશમાં લોકલ ચેનલમાં પત્રકાર હોવાનું જાણવા મળ્યું છે.વધુ પુછપરછ પોલીસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Kutch: 9 દરિયાઈ રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરતા સાગર પરિક્રમાનો ગુજરાતથી થશે પ્રારંભ
આ પણ વાંચોઃ નવા પ્રધાનો અને નવા એજન્ડા સાથે રજૂ થશે વિધાનસભામાં બજેટ, 2.50 લાખ કરોડ આસપાસનું બજેટ રહેવાની ધારણા
Published On - 10:26 am, Thu, 3 March 22