SURAT : શહેરીજનોની વાંચનની ભૂખ સંતોષવા હવે સુરત મહાનગરપાલિકા અદ્યતન સુવિધા સાથેની લાઈબ્રેરી(Library) બનાવવા જઇ રહી છે. કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય બાદ આ સૌથી મોટું અને અત્યાધુનિક પુસ્તકાલય હશે, જેમાં વાંચવા (Reading)માટે શહેરીજનોને પુસ્તકોનો ભંડાર મળી રહેશે.
શું હશે એડવાન્સ લાઇબ્રેરીમાં ?
સુરતના કતારગામ વિસ્તારમાં એડવાન્સ લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટર બનાવવા માટેના અંદાજો જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં મંજુર કરવામાં આવ્યા હતા. શહેરમાં પહેલીવાર સુરત કોર્પોરેશન દ્વારા અધતન પ્રકારની લાઈબ્રેરી બનાવવામાં આવશે. જેમાં લાઈબ્રેરીની સુવિધાની સાથે સાથે બાળકો માટે રીક્રીએશન સેન્ટર પણ તૈયાર કરવામાં આવશે.
આ એડવાન્સ લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટરમાં બાળકો માટે ચીલ્ડ્રન રીડીંગ એરીયા, વિધાર્થીઓ માટે અલગથી સ્ટુડન્ટ રીડીંગ એરીયા તેમજ યુવાનો તથા સિનિયર સિટીઝનસ માટે રીડીંગ એરીયા વીથ સ્લોપ ગાર્ડન, સેપરેટ રીડીંગ એરીયા, ઈ-બુકસ અને કોમ્પ્યુટર રૂમ, ઈ-લાઈબ્રેરી, ઈન્ફોર્મલ તથા સિનિયર સિટીઝન રીડીંગ એરીયા, વગેરે જેવી અધતન સુવિધાઓ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે.
રીક્રીએશન સેન્ટરમાં ઇન્ડોર એક્ટિવિટી માટે અલગ એરિયા
આ એડવાન્સ લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટરમાં આવતા વાંચકોને હળવાશની પળો માટે સંકુલના પાંચમાં માળ પર બોક્ષ ક્રિકેટ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ તથા ઈનડોર ગેમ્સ જેવી કે કેરમ, ચેસ, સ્નૂકર, બિલીયડર્સ વગેરે માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
કતારગામમાં 54 કરોડના ખર્ચે ઓડિટોરિયમ પણ બનાવાશે
કતારગામ વિસ્તારમાં 2017થી ઓડિટોરિયમનું કરાયેલું આયોજન હવે પાર પડશે, જેમાં 884 પ્રેક્ષક બેસી શકશે તેમજ વાહનો માટે 2 ફ્લોરનું પાર્કિંગ પણ બનાવાશે. સુરત મનપા દ્વારા વિવિધ કાર્યક્રમો માટે તમામ ઝોનમાં ઓડિટોરીયમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હવે કતારગામ ઝોનમાં રૂા. 54 કરોડના ખર્ચે ઓડિટોરીયમ બનાવવામાં આવશે. જે માટેના અંદાજને પણ જાહેર બાંધકામ સમિતિમાં મંજૂરી આપવામાં આવી હતી. જે-તે સમયે 8044 ચો.મી વિસ્તારમાં 884 પ્રેક્ષકોની ક્ષમતાવાળા ઓડિટોરીયમના આયોજન માટે રૂ.20 કરોડનો અંદાજ રજુ કર્યો હતો. પરંતુ જે-તે સમયે પ્લોટના પુરેપુરા કબજા ન મળ્યા હતા. પણ હવે ઓડિટોરીયમ બનાવવા માટે ફાળવવામાં આવેલી કુલ 11,721 ચો.મી. જગ્યાનો પુરેપુરો કબજો મળતા હવે ફરીવાર અંદાજ તૈયાર કરાયા હતા. જેમાં કન્સલટન્ટ દ્વારા ડિટેઈલ અંદાજ રજૂ કરી 884 પ્રેક્ષકોની ક્ષમતાવાળું તેમજ વાહનો માટે 2 ફ્લોરનું પાર્કીંગ સાથેના ઓડિટોરીયમ માટે કુલ રૂ. 54.42 કરોડના અંદાજ બનાવ્યા હતા. જે કામને પણ જાહેર બાંધકામ સમિતિમાં મંજુરી આપવામાં આવી હતી.
Published On - 8:54 am, Sat, 25 June 22