SURAT : દેશમાં હવે 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને પણ 3 જાન્યુઆરીથી વેક્સિન આપવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે. જેથી હવે સુરતમાં પણ 3 જાન્યુઆરીથી વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની તૈયારી કરી લેવામાં આવી છે.સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ શાળાઓ પાસેથી 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓની વિગતો મંગાવી લીધી છે.
અત્યાર સુધીમાં શહેરમાં 15 થી 18 વર્ષના અંદાજિત 1,92,552 બાળક નોંધાયાં છે, જેમાં સુરત મહાનગરપાલિકાની કુલ 175 ટીમ કામે લાગશે. શાળાનાં બાળકોને શાળામાં જઈ વેક્સિન આપી શકાય તે રીતની વ્યવસ્થા SMC દ્વારા કરવામાં આવશે.SMC દ્વારા જલદીથી પાંચથી સાત દિવસમાં વેક્સિનેશન પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
15 થી 18 વર્ષનાં બાળકોના વેક્સિનેશન માટે તેમનાં માતા પિતાની સંમતિ જરૂરી છે. પરંતુ જે વિદ્યાર્થીઓનાં માતા -પિતા સંમત નહીં હશે તેમને SMCની ટીમ સમજણ આપશે.શહેરમાં આવેલી તમામ ખાનગી શાળાઓને મનપા દ્વારા પત્ર લખી જાણ કરવામાં આવી છે કે, શાળામાં જ બાળકોને છે જ વેક્સિન આપી શકાય એ માટે યોગ્ય વ્યવસ્થા છે કે કેમ ? તે જાણ કરવા માટે જણાવાયું છે.
હાલમાં SMC દ્વારા 12 સુમન શાળા અને 80 ખાનગી શાળાઓમાં જઈ વેક્સિન આપી શકાશે કે કેમ તે શક્યતા ચકાસી છે અને ત્યાં જ બાળકોને વેક્સિન અપાશે તેમ નક્કી કરાયું છે.SMC દ્વારા હાલમાં કુલ 560 જેટલી શાળા નક્કી કરાઈ છે. જ્યાં મનપાની ટીમ જઈ વેક્સિન આપશે.
જે શાળાઓ વેક્સિનેશન માટે નબળો પ્રતિસાદ આપશે તેવી શાળાઓને SMC તાત્કાલિક અસરથી બંધ ક૨શે તેવું પણ જાણવામાં આવ્યું છે.કારણ કે , હાલમાં ઘણા વિદ્યાર્થીઓ કોરોનાની જાળમાં આવી રહ્યા છે. જેથી બાળકોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશન ઘણું જરૂરી છે.
સુરતમાં દરરોજ 40 થી 50 હજાર બાળકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે. SMC દ્વારા એકત્રિત કરાયેલી માહિતી અનુસાર હાલમાં શહેરમાં 15 થી 18 વર્ષના 1,92,552 વિધાર્થી નોંધાયા છે, જેમાં ઘણા શાળાએ જઈ રહ્યા છે. તો ઘણા નથી જઈ રહ્યા.
આ આંકમાં હજી વધઘટ થાય તેમ છે એવું SMCના આરોગ્ય વિભાગ પાસેથી જાણવામાં આવ્યું છે. SMC દ્વારા વિધાર્થીઓને જલદીથી વેક્સિન આપવા માટે પ્રતિદિન 40 થી 50 હજારને વેક્સિન મૂકવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જેથી છ થી સાત દિવસમાં તેમનું વેક્સિનેશન પૂર્ણ કરી શકાય.
આ પણ વાંચો : તરુણોને કોરોના વેક્સિન આપવા સુરત તંત્રએ કમર કસી, 6 દિવસમાં જ લાખો વિદ્યાર્થીઓને રસી આપવાનો આ પ્લાન