
સુરત શહેરમાં સૌથી લાંબા સમયથી અટકેલા પાલ-ઉમરા બ્રિજનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજને કારણે પાલ અને ઉમરા વિસ્તારના અંદાજે 10 લાખ લોકોને લાભ થશે. જો કે,આ બ્રિજનું (Bridge) નામ હજી સુધી નક્કી થયું નથી.
સુરતમાં તાપી નદી પર શહેરનો 14 મો બ્રિજ ખુલ્લો મુકાયો છે. ત્યારે બ્રિજને નામકરણ વગર જ ખુલ્લો મૂકી દેવાતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકો દ્વારા આ બ્રિજનું નામ શ્રી રઘુરામ સેતુ (Raghuram Setu) રાખવા માટે સુરત મહાનગરપાલિકાને રજુઆત કરી હતી. ઉપરાંત શહેરના બારપરા ચોર્યાસી માંહ્યવંશી સમાજ દ્વારા બ્રિજનું નામ ડો. બાબાસાહેબ આંબેડકર રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
જોકે સાંસ્કૃતિક સમિતિના (Cultural Committee) એજન્ડા પર બ્રિજનું નામ શ્રી રઘુરામ સેતુ કરવાનું હતું. પરંતુ બેઠક ન મળતા હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. બીજી તરફ, જો બ્રિજનું નામ ડો. બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) ન રાખવામાં આવે તો ચોર્યાસી માંહ્યવંશી સમાજ દ્વારા ધરણાની ચીમકી પણ આપવામાં આવી છે.
ત્યારે હવે જોવાનું રહેશે કે, આગામી સમયમાં મળનારી સાંસ્કૃતિક સમિતિની બેઠકમાં પાલ-ઉમરા બ્રિજના નામને લઈ સૌ કોઈની નજર મંડરાયેલી છે. ઉપરાંત, બ્રિજના નામને લઈને આગામી દિવસોમાં કોઈ વિવાદ ઉભો થાય તો પણ નવાઈ નહિ. કારણ કે, પહેલાથી જ આ બ્રિજને અલગ અલગ સમાજ (Community) દ્વારા તેમની માગ પ્રમાણે નામ આપવામાં આવે તેવી રજૂઆતો કરીને ચિમકી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Rathyatra 2021 :144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા મંદિરના મહંતે માન્યો આભાર