ચાલુ વર્ષે એવું લાગતું હતું કે ચોમાસુ સારું નહિ જશે. જેને લઈને ધરતીપુત્રોમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી. જોકે છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસુ બરાબરનું જામતા ખેડૂતપુત્રોની સાથે લોકોને પણ મોટી રાહત થઇ છે. સુરતની વાત કરીએ તો આજે સવારથી જ મુશળધાર વરસાદ વરસતા લોકોને ગરમી બફારાથી રાહત મળી છે.
આમ તો ગઈકાલ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. અને આજે વહેલી સવારથી પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ઉભી થઇ હતી.
આજે સ્વાર્થી શહેરમાં જે રીતે વરસાદ વરસતો હતો તેને લઈને સુરતના લીંબાયત, પર્વતપાટિયાં, પુણાગામ સહિતના વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા જોવા મળી હતી. સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનની બહાર જ ઘુટણસમાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે લોકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી.
વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થઇ શકવાના કારણે કલાકો સુધી પાણી ભરાઈ રહ્યા હતા. બીજી તરફ લીબાયત વિસ્તારમાં જ પસાર થતી મીઠી ખાડીના પાણી પણ ઉભરાતા ખાડી કિનારે રહેતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલી વાર નથી આ પહેલા પણ જયારે ત્રણ થી ચાર ઇંચ પણ વરસાદ પડે છે તો આ જ પ્રકારની સમસ્યાનો સામનો સ્થાનિકોને કરવો પડે છે.
ખાસ કરીને લીંબાયત, ઉધના ઝોન વિસ્તારમાં રહેતા લોકોને પાણી ભરાવાની સમસ્યાને કારણે હેરાન થવાનો વારો આવે છે. સ્થાનિકોની ફરિયાદ રહે છે કે દર વર્ષે પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે ખાડી ડ્રેજીંગ, ડ્રેનેજ લાઈનની સફાઈ સહિતના કામો કરવામાં આવે છે. પણ નજીવા વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યાથી તેમને કાયમી છુટકારો મળી શક્યો નથી.
એકતરફ સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી લોકોને છુટકારો આપવામાં સુરત મહાનગરપાલીકાનું તંત્ર હજી વામણું જ પુરવાર થયું છે.
આ પણ વાંચો :