
સ્વચ્છતામાં બીજા નંબર બાદ સુરત મનપા હવે પ્રદુષણ ઘટાડવા માટે અને શહેરને ઝીરો ડમ્પિંગ સીટી બનાવવા આગળ વધી રહી છે. જાહેર પરિવહનને કારણે સુરતમાં હવાનું પ્રદુષણ વધ્યું છે. હજી આવનારા વર્ષમાં પ્રદુષણ વધે નહીં તેના આગોતરા આયોજનના ભાગરૂપે બીઆરટીએસ રૂટમાં 150 બસ ખરીદવામાં આવી હતી. જેના માટે ઓગષ્ટ મહિનામાં ઈલેક્ટ્રિક બસનું ટ્રાયલ પણ થઈ ગયું હતું. કોરોના અને લોકડાઉનના કારણે ઈલેક્ટ્રિક બસ લાવવામાં મોડું પણ થયું હતું પણ હવે વધુ નવી 150 બસ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને મંજૂરી મળતા સુરતમાં હવે 300 ઈલેક્ટ્રિક બસો દોડતી જોવા મળશે. વર્ષ 2021 સુધીમાં શહેરના 20 ટકા લોકો જાહેર પરિવહન સેવાનો લાભ લેતા થઈ જશે અને વધુ 1 લાખ મુસાફરોને તેનો ફાયદો મળશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જયારે પાલિકાએ બીજી તરફ 2035 સુધીમાં શહેરને ડમ્પિંગ સાઈટ ફ્રી બનાવવા માટે પણ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન અમલમાં આવે તો મનપાને ઝીરો ડમ્પિંગ વેસ્ટના કારણે થતાં કરોડોના ખર્ચમાંથી પણ મુક્તિ મળશે. જે કરવા બદલ સુરત પહેલું શહેર બનશે. જો કે આ સપના વચ્ચે હકીકત અલગ જોવા મળી રહી છે. સુરતમાં ઠેર ઠેર કચરાના ઢગલાની ફરિયાદો છે, ત્યાં લસકાણા વિસ્તારમાં ડાયમંડ નગરમાંથી નીકળતા વેસ્ટ મટિરિયલનો કચરો આમ જ સર્વિસ રોડ પર નાંખી દેવામાં આવી રહ્યો છે.
આ સર્વિસ રોડ છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ સાઈટ જેવો જ બની ગયો છે. રાત્રીના સમય દરમ્યાન તો આ કચરો કોઈ અજાણ્યા શખ્સો દ્વારા સળગાવી દેવામાં આવે છે, જેથી પ્રદુષણ અને ગંદકીની કોઈ સીમા રહેતી નથી. સ્થાનિકોની ફરિયાદ છે કે કોર્પોરેશન પહેલા આ સમસ્યાનું નિરાકરણ લાવે પછી શહેરને પ્રદુષણ મુક્ત અને ઝીરો ડમ્પિંગ સીટી બનાવવાનો વિચાર કરે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો