Surat : દિવાળી પહેલાથી જ રફ ડાયમંડના વધી ગયેલા દર હીરા ઉદ્યોગકારોને હજુ સુધી હેરાન કરી રહ્યા છે . રફ ડાયમંડના 30 ટકાના દર સામે પોલિશ્ડ ડાયમંડના માંડ 10 ટકા દર વધી જતાં નુકશાનીની નોબત આવી છે . જેના કારણે રફનો નવો સ્ટોક નહીં કરાવતાં એકમોમાં કામકાજ અટક્યા છે . પરિણામે નાના એકમોમાં બિનજરુરી સ્ટાફને હંગામી ધોરણે રજાઓ આપવાનો દૌર પણ શરુ થઈ ગયો છે .
કોરોનાની સ્થિતિમાં સૌથી વધુ ઉત્પાદન કરીને એક્સપોર્ટમાં પણ નોંધપાત્ર વધારો કરનાર હીરા ઉદ્યોગને રફ ડાયમંડના 30 ટકા સુધી વધેલા દર મુસીબત વધારી રહ્યા છે. જુન થી ઓક્ટોબર મહિનામાં 19 હજાર કરોડનું વધારાનું એક્સપોર્ટ કરનાર અને 42 બિલિયન ડોલરના ટાર્ગેટ સામે 50 ટકાથી વધુ એક્સપોર્ટનો ટાર્ગેટ હાંસલ કરનાર હીરા ઉદ્યોગમાં હાલ પ્રોડક્શન કાપની સ્થિતિનું સર્જન થયું છે. આ અંગે સ્થાનિક હીરા ઉદ્યોગકારો જણાવે છે કે , રફ ડાયમંડના ખૂબ વધી ગયા છે . તેની સામે પોલિડ ડાયમંડના દર જે પ્રમાણમાં વધવા જોઈએ તેટલો વધારો નોંધાયો નથી . પરિણામે ખોટ કરવાની સ્થિતિનું સર્જન થાય તેના કરતાં હીરા ઉદ્યોગમાં હાલ 30 ટકા જેવું પ્રોડક્શન કાપનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
એકંદરે પ્રોડ્કશન કાપના કારણે તૈયાર માલનો થતો ભરાવો અટકશે અને માંગ નીકળશે ત્યારે હીરાની કિંમત વધે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે . જો કે , તેની અસર પેટે ઘણી નાની કંપનીઓ કે જેમની પાસે જુનો સ્ટોક છે નહીં અને નવી ખરીદી કરવો પોસાય તેમ નથી તેમણે વધારાની રજાઓ એકમોમાં રાખવાની સાથે બિનજરુરી સ્ટાફને પણ હંગામી ધોરણે રજા આપવાનું શરુ કરી દીધું છે . આ અંગે હીરા ઉદ્યોગકાર નિલેશ બોડકી જણાવે છે કે , રફ ડાયમંડના દર 10 ટકા ઘટી જાય અને તેની સામે પોલિશ્ડ ડાયમંડના દર 5 ટકા વધી જાય તો એકંદરે સ્થિતિ સામાન્ય થઈ શકે છે . હમણાં રફ મોંઘી હોવાના કારણે મોટા ઓર્ડર સિવાય કોઈ નવો સ્ટોક કરી રહ્યું નથી . જૈના કારણે પ્રોડક્શન કાપ થયાની સાથે થોડા દિવસ કામકાજને અસર નોંધાઈ રહી છે . જેના કારણે નાના એકમોમાં રજાઓ રાખીને કારીગરોને રજાઓ આપવાનું પણ સંભળાય છે પણ તેની સામે હીરા ઉદ્યોગમાં સ્થિતિ ઝડપથી સુધરી જશે .
હજી પણ હીરાઉધોગની સ્થિતિ મજબૂત
ડાયમંડ એસોસિયેશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે હજુયે હીરા ઉધોગતી સ્થિતિ મજબૂત છે રફ હીરાના વધેલા દરની સામે પોલિશ્ડના ભાવ મળી રહ્યા નથી , જેના કારણે નુકશાન કરવાની જગ્યાએ હાલ પ્રોડક્શન પર 25 ટકા જેવું કાપ આવ્યું હોવાનું સામે આવ્યું છે.તેની સામે કારીગરોને છુટા કર્યા હોઈ તેવું સાંભળવામાં આવ્યું નથી . હજુ પણ હીરા ઉદ્યોગની સ્થિતિ મજબૂત છે
કારીગરોને છુટા કર્યા હોવાની ફરિયાદ
જ્યારે ડાયમંડ વર્કર યુનિયનના જણાવ્યા પ્રમાણે રફ ડાયમંડના વધેલા દરના કારણે જાડા અને પતલા બંન્ને પ્રકારના હીરાનું પ્રોડક્શન કરનારઓને અસર થઈ છે . દિવાળીના નિર્ધારીત વેકેશન કરતાં પણ ઘણાં એકમોએ રજાઓ લંબાવી હતી . જ્યારે કેટલાંક શરુ થયેલા એકમોમાંથી 5-10 કારીગરોને છુટા કર્યા હોવાની ફરિયાદ મળી રહી છે .
Published On - 3:25 pm, Thu, 9 December 21