કાપડ (Textile) અને હીરાબજારમાં (Diamond) હજુ વેકેશનનો માહોલ પૂરો થયો નથી. ત્યાં ભારતીય માર્કેટની સાથો સાથ વૈશ્વિક હીરા જડિત જવેલરીની (Jewellery) ડિમાન્ડને પહોંચી વળવા માટે સુરતના 350 કરતા વધુ એકમો પૈકી 80 ટકા એકમો ત્રણ દિવસની રજા પૂર્ણ કરીને ફરી કાર્યરત પણ થઈ ગયા છે. ખાસ કરીને ક્રિસમસની ખરીદીને કારણે વિદેશથી હાલ સારા ઓર્ડર આવી રહ્યા છે. જેના કારણે વેકેશન ટૂંકાવવું પડ્યું છે.
હીરાની સાથે સાથે સુરત હવે જવેલરી ઉત્પાદનનું પણ હબ બની ગયું છે. જેમ જેમ ડાયમંડ બુર્સ કાર્યરત થવાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ સુરતમાં વધુને વધુ જવેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો પણ સુરતમાં સ્થપાઈ રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં શહેરમાં 350 કરતા પણ વધારે જવેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો સ્થપાયા છે.
જે દક્ષિણ અને ઉત્તર ભારત સહિત યુએસએ, યુકે, હોંગકોંગ જેવા વૈશ્વિક બજારોની ડિમાન્ડને પહોંચી વળવા માટે જવેલરી તૈયાર કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને કસ્ટમાઈઝ હેવી રિંગ, પેન્ડન્ટ, હિપહોપ ચેઈન વગેરે જ્વલેરીની સાથે સુરતમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ સૌંદર્ય સ્પર્ધા માટે તાજ પણ બનતા થયા છે.
કોરોનાની અસર વચ્ચે પણ જવેલરી સેકટરને વિદેશથી સારા ઓર્ડર મળ્યા છે. ભારતીય બજારમાં લગ્નસરા અને વૈશ્વિક બજારમાં ક્રિસમસને કારણે પણ હીરા જડિત જવેલરીની ડિમાન્ડ સારી છે. જેના કારણે આ વખતે દિવાળીની 3 દિવસની રજાઓ પૂર્ણ કરીને સુરતના 350 પૈકી 80 ટકા જેટલા એકમો શરૂ પણ થઈ ગયા છે.
સુરત જવેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે દિવાળીની ત્રણ દિવસ જેવી રજાઓ ભોગવીને મોટાભાગના જવેલરી ઉત્પાદનો સાથે સંકળાયેલા એકમો શરૂ પણ થઈ ગયા છે. ભારતીય બજારમાં દિવાળી પછી લગ્નસરાના અને વૈશ્વિક માર્કેટમાં પણ ક્રિસમસના લીધે સારા ઓર્ડર નોંધાયા છે.
આ આખા વર્ષ દરમ્યાન જવેલરી સેક્ટરમાં ઉત્પાદન ધીમું પડ્યું નથી. સુરતથી પ્રતિ મહિને 5 હજાર કરોડથી વધુની જવેલરીનું વિદેશમાં એક્સપોર્ટ થાય છે. હાલ મોટાભાગના એકમો શરૂ થઈ ચુક્યા છે અને બાકી રહેલા એકમો પણ પૂર્ણ ક્ષમતાથી અઠવાડિયા સુધીમાં કાર્યરત થઈ જશે.
આ પણ વાંચો : Surat : CNGના ભાવ વધતા હવે સુરત સ્ટેશન ઓટો યુનિયન દ્વારા ભાડું પાંચ રૂપિયા સુધી વધારવામાં આવ્યું
આ પણ વાંચો : Surat : પાંડેસરા બાળકી બળાત્કાર કેસમાં આરોપીને પોર્ન વિડીયો ડાઉનલોડ કરી આપનાર વ્યક્તિની પણ ધરપકડ કરાઈ