સુરતમાં (Surat ) રિંગરોડ ઉધના દરવાજા વિસ્તારમાં આવેલી જૂની સબજેલ વાળી જમીન પર સુરત મહાનગરપાલિકાના નવા વહીવટી ભવન(New Office ) માટેની ફરી નવી ડિઝાઇન બનાવવાનો વારો આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ 16 માળ સાથે મહાનગરપાલિકાના અલાયદા ભવનની ડિઝાઇન બનાવી હતી. અને બાકીના બિલ્ડિંગમાં જન ભાગીદારીથી ખાનગી ઓફિસોને આપીને આવક રળવાનું મહાનગરપાલીકાનું આયોજન હતું.
બે દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પાલિકાના નવા વહીવટી ભવનનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. જોકે તેમાં વડાપ્રધાન તરફથી મળેલી સૂચનાના આધારે 28-29 માળની બે બિલ્ડીંગો બનાવવાનું આયોજન કરવામાં આવશે. જેમાં એક બિલ્ડિંગમાં કોર્પોરેશનનું સ્વતંત્ર ભવન બનશે. જયારે બીજી બિલ્ડિંગમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્તમ કચેરીઓને સ્થાન આપવાની તાકીદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે.
આગામી દિવાળી સુધીમાં આ નવા વહીવટી વહવનની બ્લ્યુ પ્રિન્ટ અને ફ્રેમ વર્ક તૈયાર કરી દેવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું છે કે કલેકટર અને ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ ઓફિસર સાથે પણ બેઠક કરી લેવામાં આવી છે. જેમાં કઈ કઈ ઓફિસો મનપાની સાથે શિફ્ટ કરી શકાય તેની પ્રાથમિક તૈયારી સાથે ગણતરી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ખાસ કરીને સરકારના વિવિધ વિભાગો જેવા કે શ્રમ , સામાજિક ન્યાય અને પોલીસના કેટલાક વિભાગો પાસે પણ હજી પોતાની સ્વાયત્ત કચેરીઓ નથી. તેઓ અન્ય ભવનો અને વિભાગોની કચેરીઓમાં થોડી અલગ જગ્યા લઈને બેસે છે. આવી કચેરીઓને પ્રાથમિકતા આપવાની સાથે જે કચેરીઓ પાસે પોતાના ભવનો છે, તેઓને પણ અહીં થોડી જગ્યા આપવામાં આવશે.
જેથી અહીં આવનાર લોકોને એક છત નીચે તમામ સેવાઓ અને સુવિધાઓ મળી રહે તેવી વડાપ્રધાનની ઈચ્છા મુજબ કામગીરી થઇ શકે. આગામી દિવસોમાં કમિશનર, કલેકટર અને ડીડીઓ કેંદ્ર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ઓફિસોની જરૂરિયાતોનો તાગ મેળવવામાં આવશે.
નોંધનીય છે કે છેલ્લા 6 વર્ષથી મહાનગરપાલિકાના નવા વહીવટી ભવનનું કામ માત્ર કાગળ પર જ રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલે સબજેલ પાસે બિલ્ડિંગના શિલાન્યાસ માટેની ઈંટ મુક્યા બાદ આ ભવન ફક્ત કાગળો પર જ ઉભું થયું છે. પણ હવે આ કામને ફાસ્ટ ટ્રેક પર લઇ જઈને જલ્દી સાકાર કરવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે.
આ પણ વાંચો : Surat : 31 કરોડમાં બનેલા કોઝવેને 14 કરોડના ખર્ચે રીપેર કરવાનું કામ સ્થાયી સમિતિમાં મંજુર
આ પણ વાંચો : સુરત સિવિલ દેશની એવી પ્રથમ સરકારી હોસ્પિટલ બની કે જ્યાં ગર્ભમાં રહેલા બાળકની સારવાર શક્ય બનશે