દસ-દસ દિવસ સુધી દશામાની પૂજા અર્ચના કર્યા બાદ દશામાની મૂર્તિના વિસર્જનમાં ખુદ શ્રદ્ધાળુઓએ જ દશામાની મૂર્તિની અમાન્યા જાળવી ન હતી. ગઈકાલે દશામાની મૂર્તિના વિસર્જનમાં ભક્તોએ દશામાની મૂર્તિની કરેલી દુર્દશાથી ભક્તોની લાગણી પણ દુભાઈ છે. સુરત શહેરના મોટાભાગના ઓવર પર દશામાની મૂર્તિઓ રઝળતી હાલતમાં મૂકીને શ્રદ્ધાળુઓ ભાગી ગયા હતા. હજારોની સંખ્યામાં ઓવારો પર રઝળતી દશામાં મૂર્તિઓ જોવા મળી હતી.
સુરત શહેરમાં હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિની સ્થાપના લોકો ઘરે કરતા હોય છે અને દસ-દસ દિવસ સુધી દશામાની મૂર્તિની પૂજા કરતા હોય છે. છેલ્લે આ મૂર્તિની તાપી નદીમાં વિસર્જન કરવામાં આવે છે. હાલ કોરોના વાયરસની બીમારીને કારણે સુરત મહાનગરપાલિકાએ તાપી નદીમાં ધાર્મિક પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ ફરમાવ્યો છે. એટલું જ નહીં આ વર્ષે પણ કૃત્રિમ તળાવ નહીં બનાવી આપવા માટે પાલિકાએ જાહેરાત કરી હતી અને લોકોને ઘર આંગણે જ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ પણ કરી હતી.
મનપાની અપીલને પગલે કેટલાક જાગૃત ભક્તોએ ઘર આંગણે જ ઇકો ફ્રેન્ડલી રીતે દશામાની પ્રતિમાનું વિર્સજન કર્યું હતું. પરંતુ કેટલાક ભક્તો જાણે ધર્મના નામે ભગવાનનું અપમાન કરવા બેઠા હોય તેવું પણ જોવા મળ્યું હતું. આ વખતે ઓવારાઓ પર પતરાની આડશો મૂકી દેવામાં આવી હતી, તેમજ કૃત્રિમ તળાવ પણ નહીં બનાવવામાં આવ્યા હતા. તેવામાં વિસર્જનના દિવસે શહેરના ડભોલી વણઝારા ઓવારા, ખરવાસા નહેર, કોઝવે પાસે હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિઓ મૂકીને ભક્તો ભાગી ગયા હતા.
રાત્રી કર્ફ્યુ હોવા છતાં પણ શહેરના ઓવારાઓ પર દશામાની મૂર્તિઓનો ખડકલો થઇ ગયો હતો. દસ દિવસ સુધી દશામાની મૂર્તિઓનું શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરનારી બહેનોએ જ ઘરે મૂર્તિનું વિસર્જન કરવાને બદલે ઓવારાઓ પર મૂકીને દશામાની દુર્દશા કરી હતી. આજ રીતે ખરવાસા નહેરમાં દશામાની મૂર્તિઓ પધરાવી દીધી હતી. રાત્રી સમય દરમ્યાન લોકો તાપી નદી તટના પ્રવેશ દ્વારા પાસે પટરાણી આડશ આગળ હજારો દશામાની મૂર્તિઓને સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રકમાં ભરીને નિકાલ કરવા માટે લઇ જવામાં આવી હતી.
આમ, ભક્તો દ્વારા જ દશામાની પ્રતિમાની પૂજા અર્ચના બાદ આ દુદર્શા કરાતા અન્ય ભક્તોની લાગણી દુભાઈ હતી.
આ પણ વાંચો :