Surat Corona Breaking: SMCનાં 152 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં, સુરત બન્યુ રાજ્યું સૌથી સંક્રમિત શહેર, જાણો આંકડા

|

Apr 06, 2021 | 8:24 AM

Surat Corona Breaking: સુરતમાં સતત કોરોના વાઈરસનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની ઝપટમાં આમ અને ખાસ તમામ સપડાઈ રહ્યા છે. એક મહિનામાં પાલિકાના 152 કર્મચારીઓને સંક્રમણ લાગી ચુક્યું છે.

Surat Corona Breaking: સુરતમાં સતત કોરોના વાઈરસનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની ઝપટમાં આમ અને ખાસ તમામ સપડાઈ રહ્યા છે. એક મહિનામાં પાલિકાના 152 કર્મચારીઓને સંક્રમણ લાગી ચુક્યું છે. સિટી ઈજનેર, પૂર્વ ડે.કમિશનર, ડે.હેલ્થ ઓફિસરને પણ કોરોના થયો છે. શહેરમાં વધતા સંક્રમણને ધ્યાને રાખીને તંત્રએ 14 હોટલોની બિલ્ડિંગને કોવિડ કેર સેન્ટર જાહેર કરી છે. 30 એપ્રિલ સુધી આ હોટલોનો કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવશે. હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા તંત્રને નિર્ણય લેવાની ફરજ પડી છે.

સુરત રાજ્યનું સૌથી સંક્રમિત શહેર બની ચૂક્યું છે. શહેર-જિલ્લામાં રોજેરોજ પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે તો કોરોનાથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જોકે સંક્રમણ રોકવા તંત્ર યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહ્યું છે ત્યારે સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ પર નજર કરીએ તો કોવિડ હોસ્પિટલમાં કુલ 5,222 બેડની વ્યવસ્થા છે જેમાં ન્યુ સિવિલ હોસ્પિટલમાં 1,500 બેડ, સ્મીમેર હોસ્પિટલમાં 821 બેડ, ખાનગી હોસ્પિટલોમાં 2,451 બેડ, સમરસ હોસ્પિલમાં 450 બેડની વ્યવસ્થા છે જેમાંથી 49 ટકા એટલે કે 2,559 બેડ ભરેલા છે જ્યારે 51 ટકા એટલે કે 2,663 બેડ ખાલી છે.

તો મહામારી વચ્ચે સુરતમાં વેન્ટિલેટરની માગમાં પણ વધારો થયો છે. હાલ સુરતના આરોગ્ય તંત્ર પાસે માત્ર 717 વેન્ટિલેટર મશીનો ઉપલબ્ધ છે, જેમાં સ્મીમેર હોસ્પિટલમાં 150, સિવિલ હોસ્પિટલમાં 260, ખાનગી હોસ્પિટલમાં 307 વેન્ટિલેટર મશીનો છે જ્યારે 208 વેન્ટિલેટર સ્ટેન્ડ બાય છે. જોકે હાલની સ્થિતિને જોતા તંત્રએ સરકાર પાસે વધુ નવા 500 વેન્ટિલેટર મશીનોની માગ કરી છે. મહત્વપૂર્ણ છે કે સુરત શહેરમાં કુલ 4,50 ઓક્સિજન બેડની વ્યવસ્થા છે.

રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,581 પર પહોંચ્યો છે તો એક દિવસમાં 2,028 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે જ્યારે સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 3 લાખ 765ને પાર પહોંચી છે જોકે દુર્ભાગ્યપૂર્ણ રીતે સાજા થવાનો દર ઘટીને 93.52 ટકાએ પહોંચ્યો છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 16,252 પર પહોંચી છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 167 થઇ છે.

મહાનગરોની સ્થિતિની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 788 કેસ સાથે 7 દર્દીઓના મોત થયા. અમદાવાદમાં 6 દર્દીના મોત સાથે નવા 787 કેસ નોંધાયા તો વડોદરામાં 1ના મોત સાથે નવા 330 કેસ નોંધાયા જ્યારે રાજકોટમાં 311 કેસ નોંધાયા જ્યારે ભાવનગરમાં એક દર્દીનું મોત નિપજ્યું. સુરતમાં પણ કોરોના વિસ્ફોટની સ્થિતિ યથાવત છે અને પોઝિટિવ કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે.

પાછલા 24 કલાકમાં સુરતમાં કુલ 788 કેસ નોંધાયા તો 7 દર્દીઓના મોત નિપજ્યા, જ્યારે 678 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા.  સુરત શહેરમાં 603 કેસ સાથે 540 દર્દીઓ સાજા થયા,જ્યારે 7 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો. આ તરફ સુરત જિલ્લામાં 185 કેસ નોંધાયા તો 138 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. મહત્વપૂર્ણ છે કે તંત્રના અનેક ધમપછાડા વચ્ચે પણ સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું.

Next Video