રાજ્યના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેર અને જિલ્લા માટે આશીર્વાદરૂપ ઉકાઈ ડેમની સપાટી ચાલુ વર્ષે સિઝનમાં પહેલી વખત આજે સાંજ સુધી રુલ લેવલ સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ડેમની સપાટી 339.07 ફૂટ પર પહોંચી છે અને હાલ ઉકાઈ ડેમમાં 1.44 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
આજે સાંજ સુધીમાં ઉકાઈ ડેમની સપાટી 340 ફૂટને વટાવી જાય તેવી પ્રબળ શક્યતા છે. જેને પગલે વહીવટીતંત્ર સાબદું થઇ ગયું છે અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને બપોરે 1 વાગ્યા થી ઉકાઈ ડેમમાંથી વીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે તબક્કાવાર વધારીનેએક લાખ ક્યુસેક સુધી પહોંચી શકે તેમ છે.
છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો, શહેરીજનો અને ડેમના સત્તાધીશો માટે ઉકાઈ ડેમની સપાટી ચિંતાનો વિષય બની જવા પામી હતી. જોકે સપ્ટેમ્બર મહિનાના પ્રારંભ સાથે ઉકાઈ ડેમના ઉપરવાસમાં અનરાધાર વરસાદને પગલે ડેમની સપાટીમાં ગણતરીના દિવસોમાં જ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. એક તબક્કે ઉકાઈ ડેમની સપાટી ચાલુ વર્ષે રૂલ લેવલ સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ નહીવત હતી. જ્યારે હવે સાંજ સુધીમાં ડેમની સપાટી રૂલ લેવલે એટલે કે 340 ફુટ ને પાર કરી જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ શક્યતાને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા સુરત સહિતના તમામ નીચાણવાળા વિસ્તારો પર સતત ચાંપતી નજર રાખવા સાથે સાવચેતીના જરૂરી પગલાં ભરવા માટે જાણ કરવામાં આવી છે. આજે બપોરથી ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં વીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે સંભવત આ ડેમની સપાટી ને ધ્યાનમાં રાખીને મહત્તમ એક લાખ ક્યુસેક સુધી પાણી છોડવા ની ગણતરી વ્યક્ત કરવામાં આવી છે.આ સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને પણ સાવચેત રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.
હાલ ઉકાઇના ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ હથનુર ડેમમાંથી 38 હજાર અને પ્રકાશા ડેમમાંથી 90 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે ઉપરવાસના વરસાદમાં વિરામ તો થયો છે. પણ પાણીનો ઈનફલો 1.44 લાખ ક્યૂસેક નોંધાયો છે. જોકે તેના કારણે જ તબક્કાવાર પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે હાલ તેના કારણે શહેરીજનોને કોઈ ચિંતા કરવા જેવું કારણ પણ નથી.
આ પણ વાંચો : SURAT : સોશિયલ મીડિયામાં અલગ અલગ એકાઉન્ટ બનાવી છેતરપિંડી કરતી ભાઈ-બહેનની જોડી ઝડપાઈ
આ પણ વાંચો : યુદ્ધની સ્થિતિ અને ઈમરજન્સી લેન્ડીંગ માટે રાજ્યમાં આ 2 હાઈવે પર એરસ્ટ્રીપ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે