રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા છે. કેસ ઘટતા જ પ્રવાસન સ્થળો પર ફરી ભીડ જોવા મળી રહી છે. લોકો લાંબા સમાયથી કોરોનાના ડરના કારણે ક્યાંક જવા આવવામાં ડરે છે ત્યારે હવે બહારની હવા માણી રહ્યા છે. આ જોતા ગુજરાત એસટી નિગમે મહત્વનો નિર્ણય લીધો છે. અને પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને બસના રૂટ વધાર્યા છે.
વડનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સ્પેશ્યલ બસ શરૂ કરવામાં આવી છે. જેના દ્રશ્યો પણ સામે આવ્યા. વડાપ્રધાનના વતન વડનગરથી શરૂ કરાયેલી આ બસનું સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદીએ પણ આ બસની સવારી કરી છે. સાથે ઉંઝા ધારાસભ્ય અને ઉંઝા apmc ના ચેરમેન પણ કરી આ બસ સવારીમાં જોડાયા હતા. તમને જણાવી દઈએ કે વડનગરથી વહેલી સવારે 4 વાગે અને રાત્રે 9 વાગે એમ બે બસો દોડશે.
જણાવી દઈએ કે એસટી નિગમે એક્સપ્રેસ બસ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં ઘણા બસ રૂટ શરુ કરવાનું કહેવામાં આવ્યું છે. આ રૂટમાં વડાપ્રધાન મોદીના વતન વડનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદથી પાવાગઢ (માંચી), ગાંધીનગરથી દાંડી, અમદાવાદથી ધોળાવીરા એક્સપ્રેસ બસની જાહેરાત થઇ છે.
આ ઉપરાંત ભચાઉથી ધોળાવીરા, ધોળાવીરાથી રાપર, અંજારથી ધોળાવીરાથી ખરોડા, આ સાથે જ ભુજથી ધોળાવીરા થઈને ડુંગરાનીવાંઢના રૂટ પર લોકલ બસ દોડાવવામાં આવશે.
માહિતી અનુસાર PM ના વતન વડનગરથી સ્ટેસ્યુ ઓફ યુનિટી જતી આવતી બસ શરુ કરવામાં આવી છે. જેનું ભાડું 177 રૂપિયા હશે. અમદાવાદથી પાવગઢ (માંચી) જતી આવતી બસનું ભાડુ 124 રૂપિયા. આ ઉપરાંત દાંડી જવા માટે ગાંધીનગર શરુ થતી બસનું ભાડુ 182 રૂપિયા અને અમદાવાદથી ધોળાવીરા માટે 209 રૂપિયા ભાડું રહેશે. એસટી નિગમે એક્સપ્રેસ ઉપરાંત લોકલ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: Ahmedadad : રેલવે વિભાગને સ્વચ્છતામાં આગળ લાવવાનો પ્રયાસ, સ્વચ્છતા પખવાડા દિવસની ઉજવણી