હિંમતનગર શહેરના વિકાસ માટે છેલ્લા દોઢ વર્ષથી ભરપૂર પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. જેને લઈ હવે આગામી વર્ષોમાં વિકાસ બુલેટ ગતિ પકડશે એવી આશા બંધાઇ છે. હિંમતનગર શહેરનો વિસ્તાર પણ હવે વધારવામાં આવ્યો છે, પહેલા હુડા અને હવે પાલિકાના વ્યાપને વધારવામાં આવતા મોટી રાહત શહેરીજનોને સર્જાઈ છે. અનેક સોસાયટીઓમાં રહેતા લોકોને પ્રાથમિક સુવિધાઓને લઇ સમસ્યાઓ હતી.
ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સોસાયટી વિસ્તારના લોકોને રોડ, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પાલિકાનો વિસ્તાર વધવા સાથે હવે શહેરની વસ્તીનો આંકડો પણ વધશે અને આમ હવે પાલિકાનો વર્ગ પણ ઉંચો થતાં વિકાસ માટે ગ્રાન્ટમાં પણ વધારો થશે.
રાજ્ય સરકારે હિંમતનગરના વિકાસ માટે વધુ એક મહોર લગાવી છે. હિંમતનગરના વિકાસ માટે પૂર્વ ધારાસભ્ય અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા ચિંધેલી દિશા તરફ હવે પ્રસાયો એક બાદ એક સફળ થવા લાગ્યા છે. આ માટે તેમના માર્ગદર્શન હેઠળ ધારાસભ્યએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતને લઈ મુખ્યપ્રધાને લોકો હિતમાં રજૂ જેથી શહેરનો વિકાસ હવે રોકેટ ગતિ પકડવા લાગ્યો છે. એક દાયકાથી હિંમતનગરની આસપાસની ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવેશ થતા સર્વે નંબરના રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાઓ માટે રજૂઆત કરી રહ્યા હતા. પરંતુ આ વાત અગાઉના નેતાઓને સાંભળવાનો સમય નહોતો અને વાતને મજાકમાં ઉડાવી દેવાતી હતી.
જોકે હવે રાજ્ય સરકારે લોકોની પીડાને સમજીને પ્રાથમિક સુવિધાઓની સમસ્યા દૂર કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કરતા હિંમતનગર શહેરમાં 8 ગ્રામ પંચાયતોના વિશાળ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યા છે. જેમાં નવા બળવંતપુરા બેરણા, કાંકણોલ, હડીયોલ, બોરીયા ખુરાંદ (પીપલોદી), કાટવાડ, પરબડા, સવગઢ ગ્રામ પંચાયતના 411 જેટલા સર્વે નંબરોને હવે પાલિકા વિસ્તારમાં સમાવેશ કરી લેવામાં આવ્યા છે. આમ હવે હિંમતનગર શહેરનો નવો નક્શો રચાશે.
હિંમતનગરના ઝડપી વિકાસ માટે પહેલા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી હતી. 110 ચોરસ કિલોમીટર એરિયાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ હુડા અમલમાં આવતા શહેરના વિસ્તાર સાથે સુવિધાઓનો યોગ્ય રીતે વિકાસ કરવામાં આવશે. જેનાથી શહેરની સમૃદ્ધી અને સુવિધાઓ વધશે.
Published On - 9:41 am, Wed, 13 March 24