જ્યારે એક બીજાને પસંદ પડવાની શરુઆત થાય અને એક મેકની નજર મળે એટલે પ્રેમના તીર વછૂટવા શરુ થતા હોય છે. બંને હૈયાઓ એક બીજાના પ્રેમના તીરથી ઘાયલ થતા હોય છે અને કહાની ઈશ્કની શરુ થતી હોય છે. પરંતુ અહીં તો આવા વહેમમાં સાચૂકલા જ અણીદાર તીર છૂટવાની ઘટના સામે આવી છે. ઘટના સાબરકાંઠા જિલ્લાની છે. જિલ્લાના પોશીના તાલુકામાં એક આધેડ પર એક શખ્સે તીર-કામઠું લઈ આવીને તીર છોડી દીધુ હતુ. તેને વહેમ હતો કે આધેડ તેની પત્નિ સાથે પ્રેમના સંબંધ રાખી રહ્યો છે.
આધેડને બાવડા અને છાતીના ભાગે તીર વાગતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની જરુરીયાત ઉભી થઈ હતી. જ્યાં તેની સર્જરી કરીને આધેડના શરીરમાંથી તીરની આગળની અણીદાર ફાંસને બહાર નિકાળવામાં આવી હતી. જે અણીદાર ફાંસને સ્થાનિક લોકો ફળો તરીકે ઓળખતા હોય છે, જેની સીધી બહાર પાછી નિકાળી શકાતી નથી હોતી.
આધેડ રમેશભાઈ પરમારની હાલત જીવન મરણ વચ્ચેની બની ગઈ હતી. પરંતુ અમદાવાદ સિવિલના તબીબોએ સર્જરી કરીને યુવકને જીવલેણ ઈજામાંથી રાહત અપાવી છે. આધેડ પુરુષ રમેશભાઈ જોકે હાલતો તબિબોની દેખરેખ હેઠળ છે, પરંતુ તેમના માથેથી હવે ખતરો ઓછો થઈ ચુક્યો છે. આ પહેલા 108 મારફતે ઘટના બન્યા બાદ તુરત પોશીના સ્થિત સ્થાનિક સરકારી હોસ્પિટલમાં રમેશભાઈને લઈ જવામાં આવ્યા હતા. જોકે ઈજા ગંભીર જણાતા તીર વાગેલી હાલતમાં જ આધેડને હિંમતનગર મેડિકલ કોલેજ સ્થિત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પણ મામલો વધારે ગંભીર જણાતા તુરત અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
વાત એમ હતી કે, આંબા મહુડા ગામના રમેશભાઈ પરમાર પોતાની ઘર્મની બહેન માનેલ મહિલાના ઘરે લાખિયા ગામે ગયા હતા. જેમને તેમની ખેતીના કામમાં મદદ કરી હતી અને ત્યાંજ જમ્યો હતો. સાંજના સમયે સાડા પાંચેક વાગ્યાના દરમિયાન લાખિયા ગામના રમેશ ડાભી પોતાના હાથમાં તીર કામઠુ લઈ આવીને ગાળો આપવાની શરુ કરી હતી. જેને લઈ ગાળો નહીં બોલવાની ના પાડી હતી. રમેશ ડાભીએ પોતાની પત્નિ સાથે કેમ આડા સંબંધો રાખે છે એમ કહીને આજે પતાવી દેવાનો હોવાનુ કહીને તીર કામઠુ તાક્યુ હતુ.
આ દરમિયાન રમેશ ડાભીએ આડા સંબંધના વહેમે તીર છોડતા રમેશ પરમારના જમણા હાથના બાવળાની આરપાર થઈને છાતીમાં વાગ્યુ હતુ. છાતીમાં પાંસળીઓમાં તીર ઘૂસી જતા આ માટે તાત્કાલીક આજુ બાજુથી લોકો દોડી આવીને સારવાર માટે 108 બોલાવી પોશીના ખસેડ્યો હતો. ફરીથી આ ગામ તરફ આવ્યો તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને રમેશ ડાભી આજે બચી ગયો હોવાનુ કહી જતો રહ્યો હતો. પોશીના પોલીસે ઘટના અંગે આરોપી રમેશ ડાભી વિરુદ્ધ ફરીયાદ નોંધીને ધરપકડ કરવા માટે તપાસ શરુ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…