સાબરકાંઠામાંથી દારુની હેરાફેરી રાજ્યભરમાં જાણીતી છે. માટે જ સ્થાનિક પોલીસ અને રાજ્યની એજન્સીઓ આ વિસ્તારમાં સતત સતર્ક રહીને હેરાફેરી કરનારાઓને ઝડપી લઇ કાર્યવાહી કરે છે. જોકે આ દરમિયાન સાબરકાંઠામાં એક સ્થળે ગિફ્ટ સિટી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. એટલે કે જાણે અહીં દારુની છૂટ અપાઇ ગઇ હોય એમ જ ખૂલ્લામાં બાર જેવો માહોલ બુટલેગરોએ ઉભો કર્યો હતો.
સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડો પાડનારા અધિકારીઓ પણ આશ્ચર્ય અનુભવે એવો માહોલ અહીં જોવા મળ્યો હતો. પાથરણાંઓ પાથરીને બાર જેવો માહોલ સર્જવામાં આવ્યો હતો. જ્યાં બેસીને લોકો આરામથી મહેફિલની મજા માણી શકે.
SMCએ તલોદના હરસોલમાં દરોડો પાડ્યો હતો. બાતમીનુસાર ગાંધીનગરની ટીમ અહીં પહોંચી હતી અને સ્થળ પર જોતા જ માહોલ આશ્ચર્ય સર્જનારો હતો. ખુલ્લામાં જાણે કે ગિફ્ટ સિટીની જેમ હરસોલના સ્મશાન વિસ્તારમાં પ્રોહિબીશનની છૂટ અપાઇ હોય એમ દારુની મજા માણવામાં આવી રહી હતી. અહીં દારુ બંધીની છૂટ હોય એમ જ દારુનો આનંદ માણનારા ગ્રાહકો એમની મસ્તીમાં હતા.
દરોડો પાડનારી ટીમે ગ્રાહકો અને બે બુટલેગરો સહિત 9 શખ્શોને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી હતી. દારુની મોજ માણવા આવેલા ગ્રાહકો અને બુટલેગરોના વાહનોને પણ જપ્ત કરી લીધા હતા. આ ઉપરાંત ટીમે 326 નંગ દારુની બોટલ અને ટીન ઝડપી લીધો હતો. તો વળી 15700 રુપિયા જેટલો વકરો સહિતની રોકડને પણ જપ્ત કરીને 9 આરોપીઓને તલોદ પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.
અહીં જાણે કે રીતસરનો બાર શરુ કર્યો હોય એમ તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. અહીં આવનારા ગ્રાહકો પાસે રોકડા ના હોય તો પણ કોઇ ચિંતા નહોતી. ગ્રાહકો QR સ્કેનરથી દારુની મોજ માણવાનું બીલ લઇ શકતા હતા. આ ક્યૂઆર સ્કેનર પણ જપ્ત કરીને હવે તેની પણ વિગતોની તપાસ શરુ કરી છે, જેનાથી ગ્રાહકો અંગેની જાણકારી પણ સામે આવી શકે છે.