સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના ઇડર (Idar) માં બે સપ્તાહ અગાઉ એક દિવ્યાંગ મહિલા પર અજાણ્યા યુવકે દુષ્કર્મ આચર્યુ હતુ. પિડીતા એક હાથલારીમાં લોહીલુહાણ હાલમાં પડી હોવાનુ સ્થાનિકોએ જોતા પોલીસને જાણ કરીને તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસે મહિલા પર દુષ્કર્મ આચરાયુ હોવાને લઇને ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા એક પરપ્રાંતિય શ્રમિક યુવકની ધરપકડ કરી છે.
ઇડરમાં બે સપ્તાહ અગાઉ એક મહિલા લોહી લુહાણ હાલતમાં એક હાથલારીમાં પડી હોવાનુ વહેલી સવારે સ્થાનિક લોકોએ જોયુ હતુ. જેને લઇને સ્થાનિકોએ 108ને જાણ કરીને બોલાવી હતી સાથે જ સ્થાનિક ઇડર પોલીસ (Idar Police) ને જાણ કરી હતી. મહિલાને સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેની પર દુષ્કર્મ આચરાયુ હોવાનુ જણાયુ હતુ. જેને પગલે ઇડર પોલીસે દિવ્યાંગ અજાણી મહિલા પર અજાણ્યા શખ્શે દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધી હતી.
સ્થાનિક લોકોએ મહિલા પર આચરાયેલા દુષ્કર્મને લઇને આરોપીને ઝડપી પાડવા માટે માંગ કરી હતી. જેના પગલે સ્થાનિક ઇડર પોલીસે આરોપીને ઝડપી લેવા માટે તપાસ ટીમોની રચના કરીને તપાસ હાથ ધરી હતી. સ્થાનિક પોલીસે 60 જેટલા CCTV ફુટેજ મેળવ્યા હતા અને જેના વડે તપાસ હાથ ધરી હતી. તપાસમાં એલસીબી ટીમને પણ જોડવામાં આવી હતી. એમ સાબરકાંઠા એસપી નિરજ બડગુજરે (IPS Niraj Badgujar ) જણાવ્યુ હતુ.
પોલીસે ટીમો બનાવીને તપાસ કરવા દરમ્યાન એક યુવક પર શંકા ગઇ હતી. જેને લઇને તેને ધ્યાનમાં રાખીને કડીઓ મેળવવી શરુ કરી હતી. આ દરમ્યાન સ્થાનિક એપીએમસીમાં રહેતા પરપ્રાંતિય યુવકની ધરપકડ કરી લીધી હતી. સીસીટીવી ફુટેઝ અને તેના કપડા સહિત તેની ઓળખ પણ જણાઇ આવતા જ પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી. તપાસ ટીમ ઇડર પીઆઇ રાઠવા ઉપરાંત એલસીબી પીઆઇ ચંપાવત સહિતના અધિકારીઓની ટીમ ઇડર ડીવાયએસપી ડીએમ ચૌહાણના સુપરવિઝન હેઠળ આરોપીને ઝડપી પાડવા બે અઠવાડિયાથી પ્રયાસ કરી રહી હતી.
આ દરમ્યાન તેણે પોલીસ સમક્ષ દુષ્કર્મ આચર્યાની કબૂલાત કરી હતી. આરોપીના મોબાઇલમાંથી પણ અનેક અશ્લિલ ક્લિપો મળી આવી હતી. તેણે કબૂલ્યુ હતુ કે, મહિલાની સાથે દુષ્કર્મ આચરવા માટે મારઝૂડ કરી હતી અને ત્યાર બાદ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ખૂબ માર મારવાને લઇને મહિલા બેહોશ જેવી હાલતમાં થઇ ગઇ હતી. તેને એક લારીમાં નાંખીને માર્કેટયાર્ડ નજીક ખુલ્લા પ્લોટમાં લારી સાથે છોડી મુકી હતી. પોલીસે તેનો મોબાઇલ જપ્ત કરીને પુરાવાઓ મેળવવા માટે પ્રયાસ કર્યો છે.