સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં મનરેગા યોજના (MGNREGA Yojana) હેઠળ કામ કરતા શ્રમિકોને મહેનતાણાની રકમ ચુકવાઇ નથી. જેને લઇને મનરેગા યોજનામાં કામ કરતા બેરોજગારોને રોજગારી મળવાની આશાઓને ધક્કો પહોંચ્યો છે. છેલ્લા ત્રણેક માસ થી મનરેગા હેઠળના શ્રમિકોને તેમના શ્રમ વળતર ચુકવાયા નથી. આ અંગે ખેડબ્રહ્મા વિધાનસભા ના ધારાસભ્ય અશ્વિન કોટવાલે (MLA Ashwin Kotwal) જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતુ અને જે અંગે તેઓએ રોજગારી ચુકવી આપવા માટે માંગ કરી હતી. તેમના દ્વારા આ માટે 10 દિવસનુ અલ્ટીમેટમ પણ આપ્યુ હતુ કે, જો મનરેગાના નાણાં નહી ચુકવાય તો કલેકટર કચેરી આગળ ધરણાં ધરવામાં આવશે.
જોકે 9મી ફેબ્રુઆરીની સાંજે અલ્ટીમેટમ પુર્ણ થવા સુધી વળતર નહી ચુકવાતા અંતે ધરણાં પર બેસ્યા હતા. ગુરુવારે એટલે કે 10 ફેબ્રુઆરીએ જિલ્લા કલેકટર કચેરી સમક્ષ તેઓએ ધરણાં ધર્યા હતા. જોકે બાદમાં સ્થાનિક પોલીસે તેમની મંજૂરીના મુદ્દે ધરણાં સ્થળ પર થી અટકાયત કરીને બી ડિવીઝન પોલીસ મથકે લઇ જવાયા હતા. જ્યાં તેમની સાથે અન્ય દેખાવકારોની પણ અટકાયત કરાઇ હતી. પોલીસે તેમને કેટલોક સમય પોલીસ મથકમાં બેસાડી રાખ્યા બાદ મુક્ત કર્યા હતા.
ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કહ્યુ હતુ, આ અંગે અમે આવેદન પત્ર આપ્યુ હતુ અને રોજગારીના પૈસા ચુકવી આપવા માટે માંગ કરી હતી. પરંતુ આમ છતાં પણ પૈસા ચુકવવામાં આવ્યા નહોતા. હાલની સ્થિતીમાં પૈસાની સમસ્યામાં લોકોને સમસ્યા છે ત્યાં તેમની મહેનતની રકમ ચુકવાઇ નથી.
જિલ્લામાં તલોદ, પ્રાંતિજ, ઇડર, ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં 2500 શ્રમિકો અને પોશીના તાલુકાના 1500 શ્રમિકોની રોજગારી બાકી છે. આમ હાલના આર્થિક સંકડામણના કપરા કાળ દરમિયાન જ રોજગારીનુ વળતર બાકી છે. આમ વળતર વિના શ્રમિકોને પણ આર્થિક સમસ્યા વધુ ઘેરી બની છે. તો વળી આ દરમિયાન શ્રમિકો અન્ય સ્થળે પણ અન્ય કામ કરીને પણ આર્થિક મહેનતાણુ મેળવવા રોજગારી મેળવી શક્યા નથી.
Published On - 11:33 pm, Thu, 10 February 22