સાબરકાંઠા જિલ્લા સહકારી બેંકની ચુંટણી યોજાઈ હતી. રવિવાર 16 જુલાઈએ મતદાનની પ્રક્રિયા થઈ હતી. બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા બાદ સાંજે ચાર કલાકે મતગણતરીની શરુઆત થઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જેના થકી ભાજપ પ્રેરીત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન 12 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા હતા. જેને માત્ર 6 બેઠકો માટે કશ્મકશ જંગ જામ્યો હતો. રવિવારે પરિણામ આવતા કેટલીક બેઠકો પર બળવાખોર ઉમેદાવારોએ જીત મેળવી છે.
સાબરકાંઠા બેંકમાં ભાજપના મેન્ડેટ ધરાવતા ડિરેક્ટરોના સંખ્યાબળ મુજબ હવે ચેરમેન પદ માટે ભાજપ કોને મેન્ડેટ આપશે એની રાહ જોવાઈ રહી છે. આ માટે અત્યારથી જ વિજયી ઉમેદવારોએ પોતાના નામને આગળ કરવા માટેના તાર જોડવાની શરુઆત કરી દીધી છે. કેટલાકે એડીચોટીનુ જોર પણ શરુ કરી દીધુ છે.
ભાજપે 16 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા. આ દરમિયાન 18 બેઠકોમાંથી 12 બેઠકો સફળ રહી હતી. ભાજપના મોટાભાગના ઉમેદવારો બિનહરીફ રહેવામાં સફળ રહ્યા હતા. આમ છ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ છ પૈકી 3 ઉમેદવારો ભાજપના વિજયી થયા હતા. આમ ભાજપ પાસે સત્તા સ્પષ્ટ બની છે. આમ હવે ચેરમેન પદ માટે ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવી શકે છે. આ માટે હવે સવાલ થઈ રહ્યો છે કે, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની આર્થિક કરોડરજ્જુ ગણાતી સાબરકાંઠા બેંકની સત્તા કયા ડિરેક્ટરના હાથમાં સોંપવામાં આવશે.
બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોના દૂધના પગાર પણ સાબરકાંઠા બેંક મારફતે થતા હોય છે. બંને જિલ્લામાં ચાર લાખ જેટલા પશુપાલકો સાબરડેરી પાસેથી દુધના બદલામાં આવક મેળવે છે. આ સિવાય રોજગારી અને ખેતી સહિતના અનેક લોન સહાય માટે બેંક મહત્વનો આધાર છે. આવામાં હવે યોગ્ય ઉમેદવારના હાથમાં ચેરમેન પદ સોંપવામાં આવશે. સાબરડેરી અને અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેન જેઠાભાઈ પટેલ પ્રબળ દાવેદાર માનવમાં આવી રહ્યા છે. આ ઉપરાંત શિક્ષીત વિજયી ડિરેક્ટર પણ સત્તા સંભાળી શકે છે. જોકે આ માટે સોગઠા ગોઠવવા અને લોબીંગ કરવાની શરુઆત થઈ ચુકી છે.
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:39 am, Mon, 17 July 23