સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેન પદની ચૂંટણી મંગળવારે યોજવામાં આવી હતી. નવા ચૂંટાયેલા ડીરેક્ટર્સ દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેનને પસંદ કરવામાં આવ્યા હતા. બેંકને પ્રથમ વાર મહિલા ચેરમેન મળ્યા છે. જ્યારે વાઈસ ચેરમેન પદે ભીખાજી ડામોર બીન હરીફ ચૂંટાયા હતા.
હિંમતનગરના હંસાબેન મુકેશભાઈ પટેલને બીનહરીફ રીતે પસંદ કરવામાં આવ્યા હતા. બોર્ડ દ્વારા મેન્ડેટ મુજબના ઉમેદવારનો ચેરમેન પદ માટે સ્વિકાર કરવામાં આવ્યો હતો. વાઈસ ચેરમેન ભીખાજી ડામોર મેઘરજ બેઠક પરથી ચૂંટાઈને બેંકના બોર્ડમાં સામેલ થયા હતા.
સહકારી બેંકની સત્તા માટે ખૂબ જ ખેંચમતાણ સર્જાઈ હતી. જૂના જોગીઓ સહકારી બેંકના નવા કાયદા મુજબ બહાર થઈ જતા નવા ચહેરાઓને સ્થાન મળ્યુ હતુ. આમ છતાં જૂના સહકારી રાજકારણીઓએ સત્તા પોતાના જ ઘરમાં જાળવી રાખવા માટે આકાશ પાતાળ અને રાત દિવસ એક કર્યા હતા. ચેરમેન પદ માટે પણ ખૂબજ પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ આખરે ચેરમેન પદ માટે મહિલા ડીરેકટર હંસાબેન પટેલની પસંદગી કરવામાં આવી હતી.
બેંકના 64 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર મહિલા ચેરમેન જોવા મળ્યા છે. અત્યાર સુધીમા હંસાબેન પહેલા 113 ચેરમેન ચૂંટાયા હતા. જે તમામ ચેરમેન પુરુષ રહ્યા છે. 114 ચેરમેન બાદ મહિલાને સ્થાન મળ્યુ છે. વર્ષ 1959માં સાબરકાંઠા બેંકની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી માત્ર પુરુષ ચેરમેનને જ પદ પર બિરાજમાન થતા જોવામા આવી રહ્યા હતા.
મહત્વના પદ માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સમીકરણને આ વખતે પણ જાળવી રાખવામાં આવ્યુ હતુ. અગાઉ પણ વાઈસ ચેરમેન પદ અરવલ્લી જિલ્લાના ફાળે આવતુ હતુ અને હવે આ વખતે પણ વાઈસ ચેરમેન પદ અરવલ્લી જિલ્લાના ફાળે આવ્યુ છે. જ્યારે ચેરમેન પદ સાબરકાંઠા જિલ્લાના ફાળે આવ્યુ છે.
એક સાગમટે જૂના સહકારી નેતાઓ પર કાતર ફરી વળતા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ થઈ શક્યા નહોતા. જેને લઈ કેટલાકે પોતાના પરીવારજનોને મેદાને ઉતારીને પોતાનુ અસ્તીત્વ ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે ચેરમેન પદે મહિલા ઉમેદવાર પસંદગી ઉતરતા અનેક જૂના નેતાઓની મનની મુરાદ પર પાણી ફળે એવા સંકેતો જોવામાં આવી રહ્યા છે.
Published On - 8:04 pm, Tue, 8 August 23