
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં પીવાના પાણીનુ સંકટ તોળાઈ રહ્યુ હતુ આવા સમયે જ રાજ્ય સરકારે ગુહાઈ જળાશય યોજનામાં નર્મદાનુ પાણી આપવા માટેનો નિર્ણય કર્યો હતો. જેને લઈને હાલમાં દશેક દીવસથી જળાશયમાં પાણીની આવક શરુ થઈ છે. એક સપ્તાહમાં 20 કરોડ લીટર કરતા વધુ પાણીનો જથ્થો ઠાલવવામા આવ્યો છે. જે જૂન માસના અંત સુધી નર્મદાનુ પાણી ગુહાઈ જળાશય (Guhai reservoir) માં આપવામાં આવશે. જેનાથી ઇડર અને હિંમતનગરના ગામડાઓ અને હિંમતનગર (Himmtnagar) શહેરને પીવાના પાણીના સંકટથી ટાળી શકાશે.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા ઉનાળામાં ખૂબ જ વિકટ બનતી જઈ રહી હતી. છેલ્લી સિઝનમાં કેટલાક મહત્વના જળાશયો પૂર્ણ સપાટી સુધી ભરાયા નહોતા. જેને લઈને સ્થાનિક વિસ્તારમાં પાણીની સમસ્યા ઘેરી બની હતી. તો વળી હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને આપવુ મુશ્કેલ બની રહ્યુ હતુ. જેને લઈને રાજ્ય સરકારે આ અંગે મહત્વનો નિર્ણય કર્યો હતો. 30 એમસીએફટી પાણીનો જથ્થો ગુહાઈ જળાશયમાં આપવાનો નિર્ણય લેવાયા બાદ હવે તે પાણીની આવક શરુ થઈ ચુકી છે.
ગત 28 મેથી જળાશયમાં પ્રતિ દીવસના મુજબ 2.83 કરોડ લીટર પાણીનો જથ્થો ગુહાઈ ડેમને આપવામાં આવી રહ્યો છે. એટલે કે પ્રતિ દીવસના મુજબ એક એમસીએફટી પાણીનો જથ્થો આપવામાં આવે છે. જે મુજબ 30 દીવસ મળનારા પાણી વડે 84.9 કરોડ લીટર પાણી ગુહાઈ જળાશયમાં ઠલવાશે. જે પ્રથમ સપ્તાહમાંજ 20 કરોડ લીટર જેટલુ પાણી જળાશયમાં ઠાલવી દેવામાં આવ્યુ હતુ. આમ દશ દીવસમાં 28.3 કરોડ લીટર પાણી ઠલવાયુ છે. પાણીનો મોટો જથ્થો ગુહાઈ જળાશયમાં ઠલવાતા પાણીની સમસ્યા હવે ટળી ચુકી છે.
જોકે એ પણ આશા રાખવામા આવી રહી છે કે, ચોમાસુ નિયમીત સમય મુજબ શરુ થઈ જાય અને તળીયા દેખાઈ રહેલા જળાશયોમાં પાણીની નવી આવકો જળાશયમાં નોંધાય. જેથી કરીને જળ જથ્થામાં રાહત રહે. કાળઝાળ ગરમી અને પાણીની સમસ્યા વચ્ચે પશુ પંખીઓ પણ પરેશાન હોઈ ઘાસચારા જેવી સમસ્યામાં પણ રાહત સર્જાઈ શકે.
ગુહાઈ જળાશયના કેચમેન્ટ એરિયામાં યોગ્ય વરસાદ નહી વરસતા પાણીની આવક મર્યાદિત થઈ હતી. જોકે ગુહાઈ જળાશયનો કેચમેન્ટ એરિયા પણ ડેમના નિર્માણ સમયથી યોગ્ય પાણીનો જથ્થો એકત્ર જળાશયમાં થઇ શકતો નથી. જેથી જળાશય પુરતા પ્રમાણમાં જલદી ભરાતો નથી અને પરીણામે મોટાભાગના વર્ષોમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે. હાલમાં ગુહાઈ જળાશયમાં માંડ સાતેક ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
Published On - 10:03 am, Mon, 6 June 22