સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસથી જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસરને પગલે જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જિલ્લાના ઉપરવાસ વિસ્તાર ગણાતા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જિલ્લાના વડાલી, પોશીના અને ખેડબ્રહ્મા વિસ્તારમાં સાડા ત્રણ ઈંચ થી લઈને પોણા ચાર ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અને અનેક વિસ્તારોમાં પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા.
ઉપરવાસના ક્ષેત્રોમાં વરસાદ વરસવાને લઈ જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થવાની આશા બંધાઈ છે. શનિવારે પણ આ જ પ્રમાણેનો માહોલ છે. શનિવારે સારો વરસાદ વિસ્તારની નદીઓને જીવંત બનાવશે અને જળાશયોમાં સિઝનની શરુઆતે જ નવા પાણીની આવક થઈ શકે છે. અરવલ્લી જિલ્લામાં પણ ધનસુરા, ભિલોડા અને મોડાસા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો.
જિલ્લામાં વરસાદની વાત કરવામાં આવે તો, ઉત્તરના વિસ્તારના તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. જિલ્લાના ઉપરવાસ ગણાતા વિસ્તારોના પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વડાલી અને પોશીના વિસ્તારમાં નોંધાયો હતો. વડાલીમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌથી વઘારે જિલ્લામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પોશીનામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્મા તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ઈડરમાં અઢી ઈંચ અને પ્રાંતિજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. વિજયનગરમાં બે ઈંચ, હિંમતનગરમાં દોઢેક ઈંચ જેટલો, તલોદમાં સવા એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આમ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સિઝનની શરુઆતે જ સારો વરસાદ નોંધાયો છે. સરેરાશ જિલ્લાનો વરસાદ સિઝનનો 10 ટકા સુધી પહોંચ્યો છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે ભારે વરસાદ વરસવાની આગાહી છે.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદની સ્થિતી (In mm) | ||
તાલુકો | વરસાદ (24 કલાક) | સિઝનનો કુલ વરસાદ |
હિંમતનગર | 36 | 60 |
ઈડર | 64 | 119 |
ખેડબ્રહ્મા | 76 | 91 |
પોશિના | 83 | 104 |
પ્રાંતિજ | 42 | 59 |
તલોદ | 29 | 51 |
વડાલી | 88 | 115 |
વિજયનગર | 48 | 75 |
Published On - 9:26 am, Sat, 17 June 23