સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભિલોડા તાલુકામાં સૌથી વધારે પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પોશીનામાં સવા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. બંને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઈ ખેડૂતોને વાવણીના સમયે રાહત સર્જાઈ છે.
વરસાદને લઈ છેલ્લા બે ત્રણ દિવસથી સ્થાનિક નદીઓમાં પણ નવા નીર નોંધાયા છે. જ્યારે સ્થાનિક ડેમ અને જળાશયોમાં પણ નવા પાણીની આવક નોંધાઈ છે. જેને લઈ જળાશયોમાં જળસંગ્રહનો પણ વધારો થયો છે. જિલ્લામાં વરસાદી માહોલ સર્જાવાને લઈ ખેડૂતોને મોટી રાહત સર્જાઈ છે. જિલ્લામાં વાવણી કરી રહેલા ખેડૂતોને માટે સિંચાઈની મોટી રાહત સર્જાઈ છે.
જિલ્લામાં સૌથી વધારે વરસાદ પોશીના વિસ્તારમાં નોંધાયો છે. પોશીના વિસ્તારમાં સવા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. પોશીના અને તેની ઉપરવાસ તેમજ સરહદી વિસ્તારમાં વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી. આ વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ પનારી અને સેઈ નદીમાં પાણીનો નવો પ્રવાહ વહ્યો હતો. આ બંને નદીઓને લઈ સાબરમતી નદીમાં પણ નવા પાણીની આવક નોંધાઈ હતી. જેને લઈ શનિવારે સાંજે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો.
પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં પણ સવા-સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. વિસ્તારમાં ડાંગર અને ફુલાવરની ખેતીની વાવણીની શરુઆત થઈ છે. આ દરમિયાન વરસાદ વરસવાને લઈ ડાંગરના પાકની વાવણી કરતા ખેડૂતોને મોટી રાહત સર્જાઈ છે. આ વિસ્તારમાં સલાલ, સોનાસણ, અમીનપુર, પોગલુ, મોયદ, સાંપડ અને પિલુદ્રા પંથકમાં મોટા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હોય છે. હાલમાં પૂરજોશમાં ખેડૂતો ડાંગરની વાવણી કરી રહ્યા છે. જિલ્લામાં ખેડબ્રહ્રમાં તાલુકામાં એક ઈંચ, ઈડરમાં પોણો ઈંચ, વિજયનગરમાં પોણો ઈંચ અને હિંમતનગરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
ભિલોડા તાલુકામાં પોણા બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામવાને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ હતી. ખાસ કરીને હાથમતી નદીમાં નવા નીર આવતા રાહત સર્જાઈ હતી. બાયડમાં સવા ઈંચ અને મેઘરજમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાઠંબા અને આસપાસના વિસ્તારમાં પણ રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. મોડાસામાં પોણો ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. ધનસુરામાં પણ પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.
Published On - 8:30 am, Sun, 23 July 23