
સાબરકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સતત ત્રણ દિવસથી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રી દરમિયાન હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેરના મોટા ભાગના વિસ્તારો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ મોડી રાત્રી દરમિયાન વરસ્યો હતો. શુક્રવારે જિલ્લામાં પોશીના તાલુકાને બાદ કરતા જિલ્લાના તમામ તાલુકામાં 4 થી 8 મીમી સુધીનો કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ અગાઉ પણ છેલ્લા બે માસ ખેડૂતોએ મોટુ નુક્શાન વેઠ્યુ છે, ત્યા હવે ફરી કમોસમી વરસાદના રાઉન્ડને લઈ ખેડૂતો પરેશાન થયા છે.
હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રી દરમિયાન કમોસમી વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શુક્રવારે બપોર બાદ વાતાવરણ બદલાયુ હતુ. આ દરમિયાન જોકે મોડી સાંજ સુધી વરસાદ નહીં વરસતા એક રીતે રાહત લાગી રહી હતી. પરંતુ મોડી સાંજ બાદ વાતાવરણમાં ઉકળાટ સર્જાયા બાદ રાત્રીના પોણા બાર વાગ્યાના અરસા દરમિયાન વરસાદી માહોલ સર્જાયો હતો. એકા એક જ વરસાદ ગાજવા લાગ્યો હતો અને વિજળીઓ આકાશમાં થવા લાગી હતી.
આ પહેલા બુધવારે પશ્વિમી પટ્ટાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા વરસ્યા હતા . ત્યાર બાદ ગુરુવારે વડાલી અને તેની આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઈ વડાલી પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
વડાલી તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે બપોરબાદ વાતાવરણ પલટતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વડાલીના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ખાસ કરીને થુરાવાસ, વડગામડા અને હિંમતપુર વિસ્તારમાં વરસાદી માહોલ થયો હતો.
શુક્રવારે મોડી રાત્રી દરમિયાન વરસાદ વરસ્યા બાદ શનિવારે વહેલી સવારે જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જિલ્લાના વિજયનગર, વડાલી અને ઈડર તાલુકાઓમાં સવારે છ થી આઠ કલાક દરમિયાન 4 થી 5 મીમી વરસાદ વરસાદ વરસ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:56 pm, Fri, 28 April 23