હિંમતનગરમાં તાર વડે પથ્થર સાથે બાંધી કુવામાં ફેંકી દીધેલી લાશ મળી, હત્યાને લઈ તપાસ શરુ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક જ દિવસમાં બે હત્યાની ઘટનાઓ સામે આવી છે. એક હત્યા રાત્રી અને બીજી હત્યા 12 કલાકના અંતરાલ બાદ સવારે થઈ હતી. હિંમતનગરના સવગઢ ગામે એક આધેડની લાશ કુવામાંથી મળી આવી છે. હત્યા કરીને લાશ અજાણ્યા હત્યારાઓએ કુવામાં ફેંકી દીધેલી હાલતમાં મળી આવી છે. અન્ય એક હત્યાની ઘટનામાં સગાં 2 પુત્રોએ જ દારુ પીને ઘરમાં તોફાન મચાવતા પિતાની હત્યા કરી દીધી છે.

હિંમતનગરમાં તાર વડે પથ્થર સાથે બાંધી કુવામાં ફેંકી દીધેલી લાશ મળી, હત્યાને લઈ તપાસ શરુ
હત્યાને લઈ તપાસ શરુ
| Updated on: Dec 10, 2023 | 4:23 PM

માત્ર બારેક કલાકના અંતરમાં જ હિંમતનગરમાં 2 હત્યાની ઘટનાઓ સામે આવી છે. એક બાદ એક એમ બંને અલગ અલગ હત્યાઓની ગંભીર ઘટનાઓને લઈ પોલીસે ગુના દાખલ કરીને તપાસ શરુ કરી છે. પ્રથમ ઘટના વક્તાપુર ગામે બની હતી, જ્યાં દારુ પીને ઘરમાં જ ધમાલ મચાવતા પિતાને 2 સગાં પુત્રોએ માર મારીને હત્યા કરી દીધી છે.

જ્યારે બીજી ઘટનામાં હત્યા કરેલ આધેડની લાશ કુવામાંથી મળી છે. આધેડ પુરુષને ખેતરમાં જ અજાણ્યા હત્યારાઓએ હત્યા કરીને લાશને કુવામાં ફેંકી દીધી હતી. પરિવારજનોને કુવામાં લાશ જોવા મળતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.

તાર વિંટાળેલી લાશ મળી

સવારે જમવાનુ તૈયાર થઈ જવાને લઈ મૃતક રાજગીરી ગોપાલગીરી ગોસ્વામીને પુત્ર પ્રદિપે ફોન કર્યો હતો અને વાત કરી હતી. ત્યારબાદ પણ પિતા ઘરે નહીં પહોંચતા માતા પૂજાબેન અને બેન બંને જણા ટીફીન લઈને ખેતરમાં પહોંચ્યા હતા. જ્યાં ખેતરમાં રાજગીરીનું બાઈક તો જોવા મળ્યું પરંતુ તેઓ જોવા મળ્યા નહોતા. જેને લઈ તેમની આસપાસમાં શોધખોળ કરી હતી. બાદમાં નજીકના ખેતરમાં રહેતી મહિલાએ કૂવામાં તપાસ કરવાનુ કહેતા કુવામાં જોયું હતુ.

જ્યાં પુત્ર પ્રદિપ અને અન્ય સગાં આવી પહોંચતા કૂવાની મોટર ચાલુ કરતા કલાકેક બાદ ડેડબોડી જેવુ જોવા મળ્યુ હતું. જેને લઈ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કુવામાં ઉતરીને તપાસ કરતા કુવામાં લાશ જ હોવાનું સામે આવ્યુ હતુ. લાશને ફરતે લોખંડના તાર વિંટાળી દેવામાં આવ્યા હતા. સાથે જ લાશને ડૂબાડેલી રાખવા માટે પથ્થર બાંધી દેવામાં આવ્યા હતા.

પોલીસે તપાસ શરુ કરી

ઘટના બાદ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો દાખલ કરીને તેમને ઝડપવા માટે તપાસ શરુ કરી છે. આરોપીઓએ લાશના પૂરાવાઓને નાશ કરવા માટે 40 ફૂટ પાણી ભરેલા કુવામાં પથ્થર સાથે બાંધીને નાંખી દેવામાં આવી હતી.

 

આ પણ વાંચોઃ  હિંમતનગરમાં સગા પિતાને 2 પુત્રોએ હત્યા કરી, દારુ પી ઘરકંકાસ કરતા મોતને ઘાટ ઉતાર્યા

 

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:23 pm, Sun, 10 December 23