સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બેસીને રાજ્ય અને દેશમાં શેર બજારમાં રોકાણ કરતા અને ટ્રેડિંગ કરતા લોકોને ફોન કોલ કરીને પોતાની જાળમાં ફસાવતી ટોળકી ઝડપાઈ છે. આરોપીઓ પોતે સ્ટોક એડવાઈઝર હોવાનુ બતાવીને ફોન કરી લોકોને શેર બજારમાં કમાણી કરવાના પ્રલોભનમાં ફસાવીને ફ્રોડ આચરવામાં આવતુ હતુ. ઝારખંડનુ જામતારા સાયબર ક્રાઈમ આચરવાને લઈ બદનામ છે. અહીં કોલ સેન્ટરની જેમ ફોન કરીને પોતાની વાતોમાં ફસાવી અલગ અલગ રીતે પૈસા પડાવવામાં આવતા હોય છે.
LCB ટીમના કોન્સ્ટેબલ પ્રહર્ષ પટેલને બાતમી મળી હતી. જે બાતમી આધારે PI એજી રાઠોડ અને PSI ડીસી પરમાર સહિત ટીમ દ્વારા હિંમતનગર શહેરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. શહેરના પાણપુર વિસ્તારમાં એક દુકાનમાંથી ફ્રોડ આચરવાનુ સમગ્ર રેકેટ ચાલતુ હોવાનુ ઝડપાઈ આવ્યુ હતુ.
પાણપુર વિસ્તારમાં આરટીઓ તરફ જતા વિજાપુર સ્ટેટ હાઈવે પર આવેલા ઝેડ ક્રાઉન કોમ્પેલેક્ષમાં દરોડો એલસીબીની ટીમ દ્વારા પાડવામાં આવ્યો હતો. જ્યાંથી નેટવર્કનો સંચાલક મોઈન સીરાજખાન કુરેશીએ મિત્રો સાથે મળીને આ રેકેટ ચલાવવાનુ ષડયંત્ર ગોઠવ્યુ હતુ. જેમાં તે શેર બજારમાં રોકાણ કરનારા ગ્રાહકોના કોન્ટેક્ટ નંબર શોધતા હતા. જે નંબર આધારે ફોન કરવામાં આવતા હતા અને પોતાની ઓળખ સ્ટોક એડવાઈઝર તરીકે આપતા હતા.
પોતાની પાસે મની કંટ્રોલ અને માર્કેટ પ્લસ નામની એપ્લીકેશન આધારે પોતે શેરબજારની વધઘટ જોઈને એડવાઈઝ આપતી લોભામણી વાતચીત કરતા હતા. આરોપીઓ આ દરમિયાન પોતે રજીસ્ટર્ડ કંપનીમાંથી બોલતા હોવાનુ વાત કરતા હતા. જેને લઈ તેઓ રોકાણકારોને ફસાવીને છેતરપિંડી આચરતા હતા. ગ્રાહકોને ટીપ્સ આપીને ચેમના પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરાવતા હતા. જે પૈસા પેટીએમ વડે મેળવીને અલગ અલગ બેંક ખાતામાં જમા કરવતા હતા.
છેતરપિંડીની જાળને બિછાવીને પૈસા પડાવવાનુ નેટવર્ક ગોઠવવા માટે આરોપી સીરાજ કુરેશીએ માત્ર 6000 રુપિયામાં જ પગારથી યુવકોને પોતાને ત્યા નોંકરી રાખ્યા હતા. આ રકમમાં તેઓ તેમની છેતરપિંડીના નેટવર્કને ચલાવતા હતા. આ માટે સિરાજ તેમને ટ્રેનિંગ આપતો હતો અને જાળમાં ગ્રાહકને ફસાવવાની ટ્રીક શીખવીને ફોન પર વાત કરાવતો હતો.
નોકરીએ રાખેલા યુવકોને તે ઘરેથી આવવા જવાનુ ભાડુ પણ આપતો અને જમાવાનો ખર્ચ પણ અલગથી આપતો હતો. આમ યુવકો પણ સુવિધાઓ અને પૈસા મળવાને લઈ નોકરીએ જોડાયા હતા. જોકે આ વાતથી ડર એ વાતનો ઉભો થઈ રહ્યો હતો કે, આ રીતે યુવકોની ફૌજ તૈયાર થઈ ભવિષ્યમાં હિંમતનગરને જામતારા બનાવવા તરફ લઈ જતો. પરંતુ પોલીસે સમયે જ નેટવર્કને ઝડપી લઈને કાર્યવાહી શરુ કરી છે. એલસીબીએ હિંમતનગર રુરલ પોલીસ મથકે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published On - 11:09 pm, Wed, 8 November 23