
સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની શરુઆત સારી થઈ હતી. જૂન મહિનામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. પરંતુ જુલાઈ અને ઓગષ્ટ માસમાં અપેક્ષા જનક વરસાદ વરસ્યો નહોતો. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 99.66 ટકા વરસાદ સિઝનમાં નોંધાયો છે. જોકે જળાશયોની વાત કરવામાં આવે તો જિલ્લાના મહત્વના જળાશય જ ખાલીખમ રહ્યા છે. ગુહાઈ અને હાથમતી જળાશય માંડ અડધા જ ભરાયા હોવાને લઈ સિંચાઈને માટે ખેડૂતો માટે ચિંતા રુપ છે.
આમ તો ચોમાસાની શરુઆતે વરસાદ વરસવાને લઈ એમ લાગી રહ્યુ હતુ કે, આ વરસે ડેમ જળાશય છલકાઈ જશે પરંતુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગણા ખરા જળાશય માંડ અડધા જ ભરાયા છે. સાબરકાંઠા જિલ્લામાં લગભગ સરેરાશ મુજબ સિઝનનો વવરસાદ વરસી ચુક્યો છે. જિલ્લામાં 99.66 ટકા વરસાદ નોંધાયો છે. ચોમાસુ હવે વિદાય લઈ રહ્યુ છે, પરંતુ વિદાય સાથે જ હવે કેટલાક મહત્વના જળાશય અને ડેમ સંપૂર્ણ નહીં ભરાયાની ચિંતા છવાઈ ગઈ છે.
હિંમતનગર અને ઈડર તાલુકા વચ્ચે આવેલ ગુહાઈ ડેમમાં માંડ વીસેક ટકા જેટલો જ નવો જળસંગ્રહ થઈ શક્યો છે. ચોમાસા દરમિયાન નવી આવક ખુબ જ ઓછી થઈ છે. હાલમાં ગુહાઈ ડેમ 54.79 ટકા ભરાયેલો છે. જે ગત 1 જૂને 32 ટકાની આસપાસ ભરેલો હતો. આમ ડેમમાં પાણીની ઓછી આવકને લઈ ચિંતા વધી છે.
હાથમતી જળાશયની વાત કરવામાં આવે તો 38.76 ટકા જેટલો ડેમ 1 જૂને ભરેલો હતો. જે 27 સપ્ટેમ્બરે 48.50 ટકા જેટલો ભરેલો છે. આમ માંડ 10 ટકા જ નવા પાણીની આવક હાથમતી જળાશયમાં નોંધાઈ છે. આમ સાબરકાંઠા જિલ્લાના મહત્વના બંને ડેમ અડધા ખાલી રહ્યા છે. જો ચોમાસુ આમ જ વિદાય લઈ લેશે, તો સિંચાઈના પાણી અને પિવાના પાણી માટે ચિંતા સર્જાશે.
અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો વાત્રક ડેમ, માઝૂમ ડેમ અને મેશ્વો ડેમની સ્થિતિ પણ આવી જ છે. જેમાં સૌથી વધારે વાત્રક જળાશયમાં જળસંગ્રહ થયો છે. વાત્રક ડેમની હાલની સ્થિતિ મુજબ 63.86 ટકા પાણી ભરેલુ છે. જ્યારે માઝમ ડેમમામં 46.61 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
મેશ્વો ડેમ પણ હાલમાં 53.13 ટકા ભરેલો છે. આમ મેશ્વો અને માઝમ બંને ડેમ હાલમાં અડધા ખાલી છે. 1 જૂને માઝમ ડેમની સ્થિતિ દરવાજા બદલવાને લઈ તળીયા ઝાટક હતી. જ્યારે વાત્રક ડેમ 43.68 ટકા ભરેલો હતો. મેશ્વો ડેમ 44.07 ટકા ભરેલો હતો. આમ મેશ્વોમાં માત્ર 9 ટકા નવુ પાણી ઉમેરાયુ છે. તો વાત્રકમાં 20 ટકા નવા પાણીની આવક સિઝનમાં થઈ છે. આમ પાણીની આવક ખૂબ જ ઓછી નોંધાઈ છે.
Published On - 10:34 pm, Wed, 27 September 23